રાજ્યના નાગરિકો માટે મોટી જાહેરાત : વીજળીના ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો, 9 મહિનામાં બીજીવાર ઘટાડો
રાજ્યના નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે. ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ વીજળીમાં ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ‘સુશાસન દિવસ’ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ફ્યુઅલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ફ્યુલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરાયેલા વીજ વપરાશ પર આશરે રૂ.1,120 કરોડનો લાભ થશે.
ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ માહિતી આપી હતી કે રાજ્યના 12 હજાર ગામમાં દિવસ દરમિયાન ખેડૂતોને વીજળી મળે છે. સવારે 5થી 1 અને સવારે 8થી 4 વાગ્યાના સ્લોટમાં વીજળી અપાય છે. રાજ્યમાં માત્ર 4 ટકા ગામ જ દિવસે વીજળીથી વિહોણા છે. તેમણે કહ્યું હતું કે 17 હજાર 193 ગામમાં વીજળી આપવામાં આવી છે. માત્ર 632 ગામ સિવાય તમામ ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના લાગુ કરવામાં આવી છે. બનાસકાંઠા,દ્વારકાના કેટલાક ગામોમાં સૂર્યોદય યોજના બાકી છે. 12 હજાર ગામમાં દિવસે 8થી 4 વાગ્યા સુધી વીજળી અપાતો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ઉર્જામંત્રીએ કહ્યું હતું કે 11 હજાર 927 ગામને ફૂલ દિવસે જ વીજળી આપવામાં આવે છે. રાજ્યમાં માત્ર 4 ટકા ગામોને જ ખેતી માટે દિવસે વીજળી મળતી નથી.
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો “eNagar” પ્રોજેક્ટમાં સમાવેશ
કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં મહત્તમ યોજનાઓ નાગરિકોને આંગળીના ટેરવે મળતી થઈ ગઈ છે. ગુજરાત આજે ઇ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓમાં અગ્રગણ્ય રાજ્ય બન્યું છે, જેમાં મહત્વની એક ડિજિટલ યોજના એટલે “eNagar”.
શહેરોમાં વસતા નાગરિકોના ભાગદોડભર્યા જીવનમાં ઝડપી સેવાઓ આપતું કેન્દ્રિય ડિજિટલ પ્લેટફોર્મ “ઇ-નગર” ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ મુખ્યત્વે ૦૯ મોડ્યુલ્સ અને ૪૨ જેટલી સેવાઓ પૂરી પાડે છે, જેમાં નાગરિકોને ઓનલાઇન મેરેજ રજીસ્ટ્રેશન, પ્રોપર્ટી ટેક્સ, બિલ્ડિંગ પરમીશન, હોલ બુકિંગ, પ્રોફેશનલ ટેક્સ, એસ્ટેટ મેનેજમેન્ટ, પાણી અને ગટરની સેવાઓ, લાયસન્સ, ફરિયાદો વગેરે વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે. ઓનલાઈન પ્લેટફોર્મ થકી નાગરિકોને સરળ, સમય તથા નાણાની બચત, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવાઓ મળી રહે છે.
લોકસભા ચૂંટણી પહેલાં 50 પૈસાનો કર્યો હતો ઘટાડો
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે જાન્યુઆરીથી માર્ચના ફ્યુલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા 3.35 પ્રતિ યુનિટનો ફ્યુલ સરચાર્જ (FPPPA)ની વસૂલાતો હતો. જો કે ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફ્યુલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરાયો હતો.