ભૂદેવ નારાજ ! ઘેલા સોમનાથ મંદિરમાં મહાપુજા મામલે ભટ્ટ પરિવારની અન્ન જળ ત્યાગની ચીમકી
રાજકોટ જિલ્લામાં જસદણ નજીક આવેલ ઐતિહાસિક ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં સ્થાપના કાળથી મહાપુજા-મહાઆરતી કરતા વેજલદાદા ભટ્ટ પરિવારને છેલ્લા બે વર્ષથી પવિત્ર શ્રાવણ માસમાં બપોરની મહાપુજા અને મહાઆરતી કરવા દેવામાં ન આવતા ભટ્ટ પરિવારની પરંપરા ખંડિત થતી હોવાનું જણાવી ભટ્ટ પરિવારે ન્યાયની માંગણી કરી જો 24 કલાકમાં આ બાબતે નિર્ણય લેવામાં નહીં આવે તો તેમના વડવાઓની ખાંભી પાસે અન્ન જળનો ત્યાગ કરી જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે.બીજી તરફ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે,આ બાબતે ઘટતી કાર્યવાહી માટે પ્રાંત અધિકારી જસદણને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરની લિફ્ટ દિવસોથી બિમાર : પાટા બંધાયા, દરરોજ અસંખ્ય લોકોને મુશ્કેલી
જસદણ નજીક આવેલ ઘેલા સોમનાથ મંદિરમાં છેલ્લા 630 વર્ષથી સેવા પૂજા કરતા વેજલદાદા ભટ્ટ પરિવારના વંશજો દ્વારા વર્ષોથી શ્રાવણમાસમાં તેમજ શિવરાત્રી પર્વે બપોરની મહાપુજા અને મહા આરતી કરવામાં આવે છે. જો કે, છેલ્લા બે વર્ષથી ભટ્ટ પરિવારને ગર્ભગૃહમાં જવા દેવામાં ન આવતા હોય તેમજ ફક્ત આરતી ઉતારવા માટે જ મંદિરમાં આવવા દેવામાં આવે છે. સાથે જ જિલ્લા કલેકટરનો હુકમ હોવા છતાં શ્રાવણ માસમાં દર વર્ષે ફાળવવામાં આવતો રૂમ પણ ફાળવવામાં ન આવતો હોય ભૂદેવ પરિવાર નારાજ થયો છે અને સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે.
આ પણ વાંચો : રાજકોટમાં સ્પાના માલિકે નોકરીના પ્રથમ દિવસે જ મહિલાકર્મી પર આચર્યું દુષ્કર્મ : અફિણની ગોળી આપ્યાનો આરોપ
વધુમાં ભટ્ટ પરિવારે રજુઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે,ભટ્ટ પરિવારને દાદાની સેવા કરવાનો અવસર મળ્યો છે તે પરંપરા અવિરત ચાલુ રાખવા માંગીએ છીએ, સાથે જ બ્રાહ્મણોને શિવ મંદિરનો એક પણ રૂપિયો ન ખપે તેમ જણાવી ભટ્ટ પરિવાર કોઈપણ જાતની લોભ લાલચ વગર સેવા પૂજા કરે છે અને કરતો રહેશે તેમ જણાવી ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટમાં 14 ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવી છે તેમાં 630 વર્ષથી સેવા કરતા ભટ્ટ પરિવારના એક પણ સભ્યને સમાવવામાં આવ્યો ન હોય નારાજગી વ્યક્ત કરી શ્રાવણ માસમાં ભટ્ટ પરિવારની બપોરની મહાપુજા અને મહાઆરતીની પરંપરા તૂટી હોય 24 કલાકમાં ન્યાય નહીં મળે તો મંદિરમાં કોઈપણ જાતના અવરોધ વગર ભટ્ટ પરિવાર તેમના વડવાઓની ખાંભી પાસે અન્ન જળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન ચાલુ કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. આ મામલે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે,સમગ્ર મામલે જસદણ પ્રાંતને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
