ભારત કી જાન મોદી…રાજકોટની 12 વર્ષની પુત્રી પ્રિશા પટેલની PM મોદીને સૂરીલી ભેટ: પીગી બેંકની બચતમાંથી બનાવ્યું ગીત
રાજકોટની માત્ર 12 વર્ષની કોકિલકંઠી દીકરી પ્રિશા પટેલએ દેશના લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે અનોખી ભેટ તૈયાર કરી છે. પીગી બેંકમાં ભેગા કરેલા રૂપિયા ખર્ચીને પ્રિશાએ 5 મિનિટનું મ્યુઝિક આલ્બમ તૈયાર કર્યું છે, જે તે વડાપ્રધાનના રાજકોટ પ્રવાસ દરમિયાન ભેટ સ્વરૂપે આપવા ઈચ્છે છે.
સંગીતપ્રેમી પ્રિશા અત્યાર સુધીમાં 35થી વધુ ગીતોમાં અવાજ આપી ચૂકી છે તેમજ 13 શોર્ટ મૂવીમાં પણ સૂરિલી અવાજથી પહેચાન બની ચૂકી છે. લોકો તેને પ્રેમથી રાજકોટની ક્યૂટ કોકિલકંઠી કહી રહ્યા છે.
સેન્ટ પોલ સ્કૂલમાં અભ્યાસ કરતી પ્રિશા પટેલએ વડાપ્રધાન માટે તૈયાર કરાયેલ આ ગીતનું શીર્ષક છે “આગે બઢ રહા હૈ મેરા ઈન્ડિયા ભારત કી જાન મોદી સબ કી પહેચાન મોદી” આ 5 મિનિટનું મ્યુઝિક આલ્બમ દેશના વિકાસ, વડાપ્રધાનના વિઝન અને તેમના સ્વપનનું ભારત દર્શાવે છે. પ્રિશાના પિતા જીતુભાઈ પટેલ જણાવે છે કે, છેલ્લા એક વર્ષથી પ્રિશાના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે એવું કંઈક બનાવવું છે જેમાં તેમના કામ, દેશપ્રેમ અને વિકાસની ગાથા સંગીત બનીને ગુંજે. આ સપનાને સાકાર કરવા પ્રિશા સતત પોતાની પીગી બેંકમાં બચત કરતી હતી.
તાજેતરમાં જ્યારે પ્રિશાને ખબર પડી કે વડાપ્રધાન મોદી રાજકોટ આવી રહ્યા છે, ત્યારે તેણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને તરત જ આ મ્યુઝિક આલ્બમ પર કામ શરૂ થયું. ગણતરીના દિવસોમાં આ આલ્બમ તૈયાર થઈ ગયું, જેમાં પ્રિશાએ પોતાની રૂા. 32,000ની બચત વાપરી છે.હવે આ આલ્બમ ટૂંક સમયમાં લોન્ચ થશે. પ્રિશાનું સ્વપન છે કે, “મારું આલ્બમ વડાપ્રધાન મોદી એક વાર જરૂર સાંભળે.” દેશપ્રેમ, સંગીત અને સંકલ્પ આ ત્રણેયનું સરસ સંગમ છે રાજકોટની નાનકડી પ્રિશાની આ સૂરિલી પહેલ..
મિલિંદ ગઢવીએ લખેલું `દીકરી તો આંગણે ઉછરતી વેલ’નું ઈંગ્લીશ વર્ઝન પ્રિશાનાં કંઠે ગવાયું છે
પ્રિશાનાં ગળામાંમાં સરસ્વતીનો વાસ છે, આટલી નાની ઉંમરે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં નામના મેળવી છે. મિિંલદ ગઢવીની કલમે લખાયેલું દીકરી આંગણે ઉછેરતી વેલ એ ગીતે ધૂમ મચાવી છે અને તેમાં પ્રિશાએ ઈંગ્લીશ વર્ઝન પણ ગાયું છે. તેમાં તેને અભિનય પણ આપ્યો છે. નવરાત્રી દરમિયાન પ્રિશાનું ગોરા ગોરા મુખડાનું ગીત જાણીતું થયું છે.આ ઉભરતી પ્રતિભાને અનેક એવોર્ડ મળી ચુક્યા છે.ભારતીય ગાંધર્વ હાઇસ્કૂલની મ્યુઝિક એકેડમીમાં ક્લાસિકલ વોકલ શીખી રહી છે.
