ઊંચા વળતરની લાલચથી ચેતજો! રાજકોટમાં રિસેટ વેલ્થ કંપનીનું 5.91 કરોડનું કૌભાંડ : 40 આસામીઓને છેતર્યા, જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગરોડ પર આર.કે. એમ્પાયર બિલ્ડિંગમાં રીસેટ વેલ્થ કંપનીના નામે ભેજાબાજ શખસે સંજય લાલજીભાઈ માંગરોલિયાએ બે ફ્લોર પર અદ્યતન ઓફિસ ચાલુ કરી રોકાણકારોને વાતો અને વળતર સ્કિમોના નામે આંજી દઈ જાળમાં ફસાવી 40 આસામીઓ સાથે 5.91કરોડની છેતરપિંડી-વિશ્વાસઘાત આચર્યાનો બનાવ માલવિયાનગર પોલીસ મથકે નોંધાયો છે. ચર્ચાતી વિગતો મુજબ ફરિયાદના છેતરપિંડીના આંકથી ત્રણ-ચારગણું કારસ્તાન આચરાયું છે પરંતુ બ્લેક મનીના કારણે ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી.

કાલાવાડ રોડ-નાનામવા ગામ પાસે રહેતા નિર્મળસિંહ ભરતસિંહ જાડેજાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે સંજય માંગરોલિયા તથા તપાસમાં ખૂલે તે વ્યક્તિઓ દર્શાવ્યા છે. ફરિયાદમાં આરોપ મુજબ પાંચ વર્ષ પૂર્વે 2020ના ગાળામાં નિર્મળસિંહ અને આરોપી સંજયનો ભેટો થયો હતો. આરોપીની ઓફિસ પર ફરિયાદી ગયા હતા. જ્યાં તેણે રોકાણ પર પાંચથી છ ટકા વળતર આપવાની સ્કિમ દર્શાવી હતી અને મિનિમમ ત્રણ માસ રોકાણ કરવું પડે તેવી વાત કરી હતી. ભેજાબાજની સ્કિમમાં આવી ગયેલા નિર્મળસિંહ પોતાના, પત્ની, પુત્ર, સાસુ સહિતના પરિવારજનોના નામે કટકે-કટકે આરોપીને 54 લાખ રૂપિયા આપ્યા હતા. આરોપીને ચેકથી રીસેટ વેલ્થ કંપનીમાં રોકાણના નામે નાણાં આપ્યા હતા. થોડો વખત બેન્ક એકાઉન્ટમાં જ વળતર જમા થતું હતું. ગત ફેબ્રુઆરી માસથી વળતર બંધ થઈ ગયું હતું. આરોપીએ ઓફિસ બંધ કરી દીધી હતી. ફોન કરવા છતાં ફોન રિસીવ કરતો ન હતો. મેસેજ કરીને કહેતો કે તમારું વળતર ચાલુ થઈ જશે, ફોન ન કરવો. ત્યારબાદ ફોન સાવ બંધ થઈ ગયો. આરોપી પોતે જ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. સંપર્ક ન થતાં અને અન્ય પણ આવા ઘણા વ્યક્તિઓ આરોપીની જાળ સ્કિમમાં ફસાઈને છેતરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

અંતે માલવિયાનગર પોલીસે ગતરાત્રે આરોપી સંજય તેમજ તપાસમાં ખૂલે તેની વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેતરાયેલા રોકાણકારો દ્વારા અગાઉ સી.પી. સહિતનાને લેખિત રજૂઆત કરાઈ હતી. પોલીસે આરોપીના મોબાઈલ નંબરની ડિટેઈલ્સ મેળવવા તેમજ અન્ય માહિતી આધારે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે.
કોણ-કેટલી રકમમાં છેતરાયા ?
ફરિયાદી નિર્મળસિંહ 54 લાખ, અન્ય કિરીટસિંહ અજીતસિંહ જાડેજા 22.50 લાખ, હિતેષભાઈ પરમાર 22.05 લાખ, ઉપેન્દ્રસિંહ જાડેજા 19 લાખ, વિરભદ્રસિંહ જાડેજા 39 લાખ, રહેન્દ્રસિંહ ઝાલા 39 લાખ, નરેન્દ્રસિંહ જાડેજા 16.50 લાખ, ગિરીરાજસિંહ જાડેજા 9.50 લાખ, ઋતુરાજસિંહ જાડેજા 6 લાખ, કિરીટસિંહ જાડેજા 14 લાખ, નિર્મળસિંહ જાડેજા 11.50 લાખ, અજયસિંહ ઝશલા 10 લાખ, પરાક્રમસિંહ જાડેજા 2.50 લાખ, રવિભાઈ ડાભી 48.50 લાખ, રવિરાજસિંહ જાડેજા 22 લાખ, ચંપકસિંહ જાડેજા 4.50 લાખ, ભગીરથસિંહ જાડેજા 10 લાખ, ભાવિન વેકરિયા 7 લાખ, લાભુબેન જાગાણી 8 લાખ, શક્તિસિંહ જાડેજા 16 લાખ, રાજેન્દ્રસિંહ ભાઈસાહબજી 2.50 લાખ, ઉષાબા ઝાલા 3 લાખ, ચિંતન ભાલોડિયા 36 લાખ, પ્રફુલાબા જાડેજા 12.50 લાખ, વિજયસિંહ જાડેજા 5 લાખ, જયદેવસિંહ જાડેજા 5 લાખ, ખુમાનસિંહ જાડેજા 15 લાખ, રવિરાજસિંહ ગોહિલ 1.50 લાખ, જયવીરસિંહ ગોહિલ 2 લાખ, જોશનાબેન ગોહિલ 14.50 લાખ, અનિરૂધ્ધસિંહ પરમાર 10 લાખ, હરપાલસિંહ જાડેજા 30 લાખ, મયુરધ્વજસિંહ જાડેજા 6 લાખ, રાજેન્દ્રસિંહ રાણા 50 લાખ, રૂદ્રરાજસિંહ જાડેજા 6 લાખ, રીટાબેન દેવમુરારી 17 લાખ, ગિરીરાજસિંહ જાડેજા 11 લાખ તથા મુકેશસિંહ ચુડાસમા 4 લાખમાં છેતરાયા હતા. ન નોંધાયેલો અન્ય આંક કદાચ કરોડોમાં જતો હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો : દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
600થી વધુ રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયાની ચર્ચા
રીસેટ વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડના નામે ઓફિસ ખોલીને ઉંચું વળતર આપવાની લાલચ જાળ પાથરીને ભેજાબાજ સંજય માંગરોલિયા સામે 40 વ્યક્તિના 5.91કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ આંકડો તો માત્ર 40 વ્યક્તિ પુરતો સિમિત છે. ભોગ બનેલા વ્યક્તિઓમાં ચાલતી ચર્ચાઓ મુજબ રાજકોટ ઉપરાંત મોરબી અને સૌરાષ્ટ્રના અન્ય શહેરો-ગામોમાંથી પણ અનેક રોકાણકારોએ લાખો રૂપિયા રોક્યા હતા. અંદાજે 600થી વધુ રોકાણકારોએ મહિને પાંચ કે સાત ટકા વળતર મેળવવા માટે પોતાના નાણાં આ કંપનીને આપ્યા હતા. થોડા મહિના વળતર પણ ચૂકવ્યું અને હવે હાથ ઉંચા કરી દીધા છે. એવી વાત છે કે આંકડો કરોડો રૂપિયાની બહાર પહોંચે તેમ છે. સંજય ઉપરાંત અન્ય શખસો પણ આ કારસ્તાનમાં સામેલ હોય શકે. પોલીસ કેવી અને કેટલી ઉંડી તપાસ કરી શકે તેના પર મદાર મંડાયેલો છે. રોકાણકારોને અત્યારે તો એવું આશ્વાસન અને ગર્ભિત ચિમકી અપાઈ રહી છે કે, તમારા રૂપિયા અન્યત્ર રોક્યા છે, 120 દિવસમાં પરત આપી દેશું અને જો ફરિયાદ કરશો તો પછી મામલો કોર્ટમાં ચાલ્યો જશે જેથી અત્યારે અન્ય રોકાણકારો ‘જો’ અને ‘તો’ની દ્વિધામાં ફસાયેલા છે તેવી વિગતો જાણવા મળી છે.
