ચેતજો! રાજકોટમાં વેપારીએ વૉટસએપ પર RTOનું ઈ-ચલણ ડાઉનલોડ કર્યું’ને લાખો રૂપિયા સ્વાહા! જાણો શું છે મામલો
છેલ્લા ઘણા સમયથી PM કિસાન યોજના, RTO, પોલીસના ઈ-ચલણ સહિતની પીડીએફ ફાઈલ લોકોના વૉટસએપ ઉપર મોકલીને છેતરપિંડી આચરવામાં આવી રહી છે. લોકો જેવી આ ફાઈલ ખોલે એટલે તેમનો ફોન હેક કરીને ગઠિયાઓ દ્વારા મોબાઈલમાં રહેલી બેન્ક ડિટેઈલ મેળવીને તેના આધારે પૈસા ઉપાડી લેવામાં આવે છે. રાજકોટમાં અત્યાર સુધી આ ફ્રોડનો ભોગ કોઈ બન્યું ન્હોતું પરંતુ હવે પહેલીવાર એક વેપારી શિકાર થયા છે અને તેમણે દસ લાખ જેવી માતબર રકમ ગુમાવવાનો વખત આવ્યો છે.
આ અંગે કૂવાડવા રોડ પર કલ્પના ટ્રેડિંગ નામે ગાર્મેટ એસેસરીઝ ટ્રેડિંગનો વેપાર કરતા અને એરપોર્ટ રોડ પર મારૂતિનગર-2માં સદ્ગુરુ વાટિકામાં રહેતા મુકેશભાઈ સુરેશચંદ્ર મુખરેજાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું ક ગત 15 જૂલાઈએ તેમના વૉટસએપ ઉપર RTO ઈ-ચલણ નામની પીડીએફ ફાઈલ આવી હતી જેમાં એવું લખાણ લખેલું હતું કે તમારા નામનું ઈ-ચલણ ફાટ્યું છે. આ વાંચી મુકેશભાઈએ તુરંત ફાઈલ ઓપન કરી હતી પરંતુ તે ખુલી ન્હોતી. ત્યારબાદ બે દિવસ પછી એટલે કે 17 જૂલાઈએ તેમના ફોનમાં HDFC બેન્કના મોબાઈલ બેન્કીંગનું અન્ય જગ્યાએ રજિસ્ટ્રેશન થયાના મેસેજ આવતા તેમણષ પુત્રને આ અંગે જાણ કરી હતી.
આ પછી પિતા-પુત્ર તેમની બેન્ક ઉપર ગયા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના બેન્ક એકાઉન્ટમાંથી પાંચ-પાંચ લાખ રૂપિયા બે કટકે ઉપાડી લેવામાં આવ્યા છે. આ અંગેની ફરિયાદ દાખલ થતાં જ સાયબર ક્રાઈમ પોલીસે જે ખાતામાં પૈસા જમા થયા હતા તેના ધારક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ આદરી હતી.