રાજકોટના સોની વેપારી સાથે વિશ્વાસઘાત: 13.49 લાખની ચાંદી મંગાવી મહારાષ્ટ્રના વેપારીએ ધુમ્બો માર્યો
રાજકોટ શહેરના સોનીબજાર વિસ્તારમાં વેપાર કરતા એક સોની વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરિંપડીની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વેપારી સાથે પાંચ વર્ષ સુધી વેપાર કર્યા બાદ વિશ્વાસમાં આપેલા અંદાજે 31 કિલોથી વધુના ચાંદીના દાગીના ( કિંમત 13.49 લાખ) ઓળવી જતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ અંગેની વિગતો મુજબ, અમીન માર્ગ પર આવેલ તપોવન સોસાયટીમાં રહેતા અને સોનીબજારના માંડવી ચોક પાસે ‘આર.કે. સિલ્વર’ નામે ભાગીદારીમાં પેઢી ચલાવતા રણજીતભાઈ ખેંગારભાઈ વાઢેર (ઉ.વ. 58) એ મહારાષ્ટ્રના દેવીલાલ વાઘારામ માલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી દેવીલાલ માલી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના આષ્ટાગામ ખાતે ‘અર્બુદા સિલ્વર જવેલર્સ’ નામે પોતાની દુકાન ધરાવે છે. છેલ્લા પાંચેક વર્ષથી બંને વચ્ચે વેપારી સંબંધો હતા અને દેવીલાલ સમયસર પેમેન્ટ કરી દેતો હતો. જોકે, ગત મે 2024માં આ સંબંધોમાં ખટાશ આવી હતી.
આ પણ વાંચો :રાજકોટના કાલાવડ રોડ પર બે ફ્લેટના તાળાં તોડી 9.49 લાખની ચોરી: મહિલા જૂનાગઢ માતાના ઘરે ગયા બાદ ચોરીને અપાયો અંજામ
દેવીલાલે 18 કિલો 104 ગ્રામ ચાંદીના દાગીનાનો ઓર્ડર આપ્યો હતો, જેની કિંમત 8,06,189 થતી હતી. જેની સામે તેણે 4,22,400 જમા કરાવ્યા હતા.ત્યારબાદ ફરી 17 કિલો 847 ગ્રામ દાગીના (કિંમત 9,65,908) કુરિયર મારફતે મંગાવ્યા હતા. આમ આરોપી વેપારીઓએ કુલ 31 કિલો 727 ગ્રામ ચાંદીના દાગીના મેળવી લીધા બાદ બાકી નીકળતા 13,49,697 ચુકવવામાં દેવીલાલે ગલ્લાતલ્લા શરૂ કર્યા હતા.વેપારી રણજીતભાઈએ જ્યારે મહારાષ્ટ્ર જઈને રૂબરૂ ઉઘરાણી કરી ત્યારે પણ આરોપીએ માત્ર વાયદાઓ જ આપ્યા હતા. લાંબો સમય વીતી જવા છતાં અને ચાંદીના ભાવ વધવા છતાં નાણાં પરત ન મળતા અંતે રાજકોટ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
