બાંગ્લાદેશે શ્રીલંકાને ચટાવી ધૂળ: ૬ દડામાં મેચ પલટાઈ
છેવટ સુધી મેચ બન્ને બાજુએ રહ્યા બાદ અંતમાં બાંગ્લાદેશે બાજી મારી: શ્રીલંકાનો સતત બીજો પરાજય
આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪માં બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે ડલાસમાં રોમાંચક મુકાબલો રમાયો હતો. મેચ છેલ્લી ઓવર સુધી ગઈ હતી જ્યાં બાંગ્લાદેશે બાજી મારી હતી. તેણે આ મેચ ૨ વિકેટે પોતાના નામે કરી હતી.
શ્રીલંકાની વર્લ્ડકપમાં આ બીજી હાર છે. અગાઉ તેને આફ્રિકાએ ૬ વિકેટે હરાવ્યું હતું જેના કારણે હવે તેના ઉપર બહાર થવાનો ખતરો છે. જ્યારે બાંગ્લાદેશે જીત સાથે વર્લ્ડકપમાં અભિયાનનો પ્રારંભ કર્યો છે.
આ મેચમાં ટોસ જીતી બાંગ્લાદેશે પહેલાં બોલિંગ કરી હતી. શ્રીલંકાએ ૯ વિકેટે ૧૨૪ રન બનાવ્યા હતા. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશ ટીમે લક્ષ્યાંકને ૬ બોલ બાકી રાખીને બે વિકેટે હાંસલ કર્યો હતો. અનુભવી ખેલાડી મહમ્મદુલ્લાહ અંત સુધી ટકેલો રહ્યો અને ૧૬ રન બનાવી મેચ જીતાડી હતી.
શ્રીલંકા વતી પથુમ નિશંકાએ ૨૮ દડામાં ૪૭ રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ વતી મુસ્તાફિઝુર રહમાને ૪ ઓવરમાં ૧૭ રન આપીને ૩ વિકેટ ખેડવી હતી. બાંગ્લાદેશે લક્ષ્યાંક હાંસલ કરતી વખતે ૧થી ૭ ઓવર વચ્ચે ૩ વિકેટે ૩૭ રન બનાવ્યા હતા. આ પછી ૮-૧૨ ઓવર વચ્ચે બાંગ્લાદેશે ૧૧ રન પ્રતિ ઓવરથી ૫૫ રન બનાવ્યા હતા અને માત્ર એક વિકેટ ગુમાવી હતી. ૧૩-૧૮ ઓવર વચ્ચે ફરી શ્રીલંકાએ વાપસી કરી અને બાંગ્લાદેશની ૨૨ રનમાં ૪ વિકેટ પાડી દીધી હતી. આવામાં લાગી રહ્યું હતું કે શ્રીલંકાની ટીમ આ મેચ જીતી લેશે. ૧૯મી ઓવરમાં ૧૧ રન બનાવીને બાંગ્લાદેશે મેચ પલટી હતી. ખાસ વાત એ રહી કે ૧૯મી ઓવરના ૬ દડામાં શ્રીલંકાની ઢીલ તેની હારનું મોટું કારણ બની હતી.
