બનાસકાંઠાને 62 વર્ષ પછી મળશે મહિલા સાંસદ : કોણ બાજી મારશે કોંગ્રેસ કે ભાજપ ??
ભારતમાં લોકસભા ચૂંટણીનું મતદાન સંપન્ન થઈ ગયું છે. ચૂંટણીના આ સાત તબક્કામાં આશરે 66 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. હવે ચોથી જૂને ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે ત્યારે વાત કરીએ ગુજરાતની બનાસકાંઠા બેઠકની તો બે મહિલાઓ સામસામે જંગમાં છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારે 62 વર્ષ બાદ બનાસકાંઠાને મળશે મહિલા સાંસદ.
કોણ છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર?
ગેનીબેન ઠાકોરે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના તત્કાલિન મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શંકર ચૌધરીને અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને હરાવ્યા હતા. મહિલા અધિકારોની હિમાયત કરવા માટે જાણીતા ઠાકોરે 2020માં ગુજરાતમાં 14 મહિનાની બાળકી પર થયેલા કથિત બળાત્કાર અંગે કહ્યું હતું કે બળાત્કારીઓને પોલીસને સોંપવાને બદલે જીવતા સળગાવી દેવા જોઈએ. તે કોંગ્રેસના 17 ઉમેદવારોમાંથી એક હતી જેમણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેની સીટ જીતી હતી.
કોણ છે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી?
ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીના દાદા ગલબાભાઈ ચૌધરીએ બનાસ ડેરીની સ્થાપના કરી હતી, જે દરરોજ 4.5 લાખ ખેડૂતો પાસેથી દૂધ ખરીદે છે. તેમના પતિ હિતેશ ચૌધરી ભાજપના અધિકારી છે. પ્રચાર દરમિયાન પોતાના ભાષણોમાં રેખા ચૌધરી કહેતા રહ્યા છે કે તેમની ઉમેદવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન છે. તેણીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણય પર પ્રકાશ પાડ્યો. બનાસકાંઠાના લાખણી તાલુકામાં એક રેલી દરમિયાન તેણીએ કહ્યું કે, “હું મોદી સાહેબની ઉમેદવાર છું જેમના નેતૃત્વમાં રામ મંદિરનું નિર્માણ થયું, કરોડો લોકોના સપના પૂરા થયા.
શું હતી છેલ્લી બે ચૂંટણીની સ્થિતિ ??
2019માં ભાજપે પરબતભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે અહીંથી પાર્થિભાઈ ભટોળને ટિકિટ આપી હતી. ત્યારે ભાજપના પરબતભાઈ પટેલને 61.53 ટકા મત મળ્યા હતા. તે જ સમયે, કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં 28.16 ટકા મત પડ્યા હતા. તેવી જ રીતે 2014ની વાત કરીએ તો બનાસકાંઠામાંથી ભાજપના હરિભાઈ ચૌધરીને 57.23 ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના પટેલ જોતાભાઈને 34.43 ટકા મત મળ્યા હતા.
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવાર કેટલા ??
ભાજપની વાત કરીએ તો વર્તમાન સાંસદ પૂનમ માડવને યથાવત રાખીને એમને ફરી વખત જામનગરથી ચૂંટણી લડવાની તક આપી છે. જ્યારે અન્ય ત્રણ નવા ચહેરા પૈકી બનાસકાંઠાથી ડો. રેખાબહેન ચૌધરી, સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયા અને ભાવનગર બેઠક પરથી નીમુબહેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો બનાસકાંઠાથી ગેનીબહેન ઠાકોર, અમરેલીથી જેનીબહેન ઠુંમ્મર, દાહોદથી ડો. પ્રભા તાવડિયા અને ગાંધીનગર બેઠક પર અમિત શાહની સામે સોનલ પટેલને ટિકિટ ફાળવી છે. અહીં એક ચિત્ર સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ ભાજપમાં બંને પક્ષ બધી જ રીતે અલગ છે પરંતુ મહિલાઓને જ્યારે ટિકિટ ફાળવણી કરવાની વાત આવે ત્યારે બંને પક્ષમાં સમાનતા જોવા મળે છે.
બનાસકાંઠામાં 1951થી 2019 સુધીમાં કુલ 19 વખત લોકસભાની યોજાઈ ચૂંટણી
સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951થી લઈને 2019 સુધીમાં કુલ 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે. 2013ની પેટાચૂંટણીમાં ભાજપે બનાસકાંઠા બેઠક પર ચોથી વખત જીત મેળવી હતી. ત્યારથી આ સીટ ભાજપના કબજામાં છે. આ બેઠક પર ભાજપે છ વખત જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 10 વખત જીત મેળવી છે. આ સીટ સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી અને પછી જનતા દળ એકએક વાર જીતી ચુક્યુ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ 3,68,296 વોટથી જીતી હતી. ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કોંગ્રેસને હરાવ્યા હતા. ત્યારે આ ગઈકાલે 4 જુનના રોજ ફેસલો કોના તરફ આવે તે જોવાનું રહ્યુ. કોઈ પણ ઉમેદવાર જીતે પણ 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળશે.
