બનાસકાંઠા: સુઇગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત, 3 લોકોના મોત ; 20થી વધુ ઘાયલ
રાજ્યમાં નવા વર્ષની શરૂઆત ગોઝારા અકસ્માત સાથે થઈ છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુઇગામના સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર ટેન્કર અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતાં ત્રણ લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. લકઝરી બસ ગુજરાતના જામનગરથી રાજસ્થાન જઈ રહી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસ અને ટેન્કરને અલગ કરવા માટે 3 ક્રેઇનની મદદ લેવી પડી હતી. આ અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના સુઇગામ નજીક મોડી રાત્રે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં રોંગ સાઇડ તરફથી આવી રહેલા ટેન્કર ચાલકે બસને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે બસ કચ્ચરઘાણ વળી ગયો હતો. રાજસ્થાન તરફથી મુસાફરોને ભરીને રાજકોટ તરફ જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આ અકસ્માતમાં 26 લોકોને ઇજા પહોંચી છે, જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.

ઇજાગ્રસ્તોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા ભાભર, થરાદ સહિતની નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં સુઇગામ, ભાભર અને વાવ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે લક્ઝરી બસ પલટી ગઈ હતી. પોલીસે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુઇગામના સરકારી જાહેર આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં બે વાહનો વચ્ચે એટલી ભયંકર ટક્કર સર્જાઇ હતી કે બંને વાહનોને છૂટા પાડવા માટે 3 ક્રેઇનની મદદ લેવી પડી હતી. અકસ્માતના પગલે હાઇવે પર ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી અને માતમનો માહોલ સજાયો હતો.