લોકો પાસે કેવા અને કેટલા કાયદાકીય હક્કો છે તેની સમજ આપશે અવેરનેસ બસ
રાજ્યના લોકો માટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. અત્યારે અનેક લોકો કાયદાને લઈને અવેર નથી હોતા જેથી હવે તેમનામાં જાગૃતિ લાવવા માટે એક પહેલ કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, લોકોને પોતાના કાયદાકીય હકો પ્રત્યે જાગૃત કરવા મોબાઈલ અવેરનેસ બસ તૈયાર કરવામાં આવી છે. આ મોબાઇલ વાન દ્વારા કાયદાકીય જાગૃતિ ફેલાવવી અને સમાજના નબળા વર્ગના સશક્તિકરણને સુરક્ષિત કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.
બસ મોરબી અને કચ્છ જિલ્લાના ગામોમાં ફરશે
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, GSLSAના એગ્ઝેક્યુટિવ ચેરમેન જસ્ટિસ બીરેન વૈષ્ણવ મોબાઈલ અવેરનેસ બસને લીલી ઝંડી આપવાના છે. તા. ૩ થી 10 ફેબ્રુઆરી સુધી મોબાઇલ અવેરનેસ બસ મોરબી અને કચ્છ જિલ્લાના ગામોમાં ફરશે તેવું જાણવા મળ્યું છે. મોબાઈલ બસમાં ડિજિટલ ડિસ્પ્લે થકી GSLSAની કામગીરી અંગે સામાન્ય લોકોને માહિતગાર કરવામાં આવશે.
આ સાથે સાથે કોને અને કેવી રીતે મફત અને સક્ષમ કાનૂની સહાય મળી શકે? તેની પણ સમજ આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ લોક અદાલત વિશે પણ લોકોને સમજ આપવામાં આવશે. આ બસમાં LED સ્ક્રીન દ્વારા નાના ગામડાઓમાં એનિમેટેડ મૂવી, શોર્ટ ફિલ્મ દ્વારા જાગૃત્તિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ગાંધીધામ જેલ ખાતે પણ મોબાઈલ વાન થકી કેદીઓને તેમના હક્કો પ્રત્યે સમજ અપાશે.