પોરબંદરમાં આભ ફાટ્યું, 28 કલાકમાં 22 ઈંચ
26 વર્ષ બાદ જળપ્રલયના દ્રશ્યો : પોરબંદરના રસ્તાઓ નદીઓમાં ફેરવાયા,અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા
પોરબંદર-કાનલુસ રેલવે સેકશનમાં પાણી ભરાવાના કારણે અનેક ટ્રેનો રદ : 31 લોકોને રેસ્ક્યુ કરાયા
પોરબંદર : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ વચ્ચે ગુરુવારે બપોરે 12 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયા બાદ શુક્રવારે બપોર સુધીની 28 કલાકમાં 22 ઈંચ વરસાદ તૂટી પડતા પોરબંદરમાં 26 વર્ષ બાદ જળપ્રલયના દ્રશ્યો સર્જાયા હતા અને પોરબંદરના મોટાભાગના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા અને અનેક ઘરોમાં પાણી ઘુસી જતા 31 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, બીજી તરફ 22 ઈંચ વરસાદમાં પોરબંદર-કાનલુસ રેલવે સેકશનમાં પાણી ભરાતા અનેક ટ્રેનોને રદ કરી દેવામાં આવી હતી.
પોરબંદર શહેરમાં ગુરુવારે બપોરના 12 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયા બાદ શુક્રવારે સવારે છ વાગ્યા સુધીમાં 350 મીમી એટલે કે 18કલાકમાં પોર્ન ચૌદ ઈંચ વરસાદ વરસી ગયા બાદ શુક્રવારે સવારથી પણ મેઘરાજાએ વિરામ લીધા વગર વરસાદ વરસાવવાનું ચાલુ રાખતા પોરબંદરના એમ.જી રોડ, છાંયા ચોકી રોડ અને સુદામા ચોક જેવા મુખ્ય વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોના જીવનમાં કફોડી સ્થિતિ ઉભી થઈ હતી અને ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસ્યાં જતા લાખો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે. બીજી તરફ બરડા પંથકમાં પણ 10 થી 12 ઇંચ વરસાદ પડતાં વાડી ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેર અને ગામડાઓમાંથી કુલ 31 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યું છે.
દરમિયાન પોરબંદરના રાણાવાવ અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે ધેડ પંથકમાં ઓઝત અને મધુવંતી નદીમાં પૂર આવ્યું હતા, સાથે જ શહેરના છાંયા ચોકી રોડ પર ભારે વરસાદને કારણે અનેક મકાન અને દુકાનોમાં પાણી ઘુસતાં દુકાનદારોને અને રહેણાંક વિસ્તારોમાં ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. જેમાં રોકડીયા હનુમાન મંદિરની સામે આવેલી સોસાયટીમાં મકાનોમાં પાણી ઘુસતાં લોકોએ મકાનના ધાબા પર સહારો લેવો પડ્યો હતો. એ જ રીતે રાજીવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થવાને કારણે અનેક મકાન અને વાહનો પાણીમાં ડૂબી ગયા હતા.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ નગરપાલિકા તંત્ર સાથે મળી નરસંગ ટેકરી, રોકડીયા હનુમાન મંદિર અને બોખીરા સહિતના વિસ્તારોની મુલાકાત લઈને પાણીના નિકાલ માટે વિવિધ ટીમોને કામે લગાડીને સ્થિતિને સામાન્ય કરવા પ્રયત્નો હાથ ધર્યા છે.આવી આફતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લાના તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જીલ્લા પ્રશાસન અને બચાવ દળો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.બીજી તરફ અતિભારે વરસાદને પગલે વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેકશનમાં પાણી ભરાવાના કારણે ટ્રેનો પર પણ અસર પડી હતી અને અનેક ટ્રેનને રદ કરી દેવામાં આવી હતી.
બોક્સ
ભારે વરસાદને પગલે તાકીદની બેઠક યોજતા કલેકટર
સતત પડી રહેલ ભારે વરસાદ વચ્ચે જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી દ્વારા તાકીદે વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક યોજી જિલ્લામાં પડેલ ભારે વરસાદમાં વહિવટી તંત્ર દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.જિલ્લા વહીવટી તંત્રની ટીમોએ રાત્રે પડેલ ભારે વરસાદ અંતર્ગત જરૂરી પગલાં લઈ રસ્તા ઉપર પડેલ વૃક્ષોની ડાળીઓનો નિકાલ કરી, ફાયબ્રિગેડ વિભાગની ટીમે લોકોને સુરક્ષિત સલામત સ્થળે પહોંચાડવાની સાથે ગ્રામ્ય પંથકમાં લોકોના રેસ્કયુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. સાથે જ પીજીવીસીએલ વિભાગની ટીમો ખોરવાયેલ વીજ પૂરવઠો રાબેતા મુજબ ચાલુ કરવા કામગીરી કરી રહી હોવાનું જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠકકર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.