ATSનું ઓપરેશન : અલકાયદા સાથે સંકળાયેલા ચારેય આતંકી પાસેથી કબજે થયેલા મોબાઈલ ફોન-સાહિત્ય ‘રાઝ’ ખોલશે
ચારેય આતંકીઓ પાસેથી મોબાઈલ ફોન કબજે કરાયા છે. અલકાયદાનું જેહાદી લિટરેચર મળી આવ્યું છે. નોઈડાના જીસાન ઈન્સ્ટામાંથી હથિયારોના ફોટા મળી આવ્યા છે જેથી જીસાન પાસે હથિયારોનો જથ્થો હોવાની ATSને આશંકા છે. મોબાઈલ ફોન FSLમાં મોકલવામાં આવશે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોણ કોણ સંપર્કમાં હતા, ગુજરાત અને દેશમાં અન્ય કોઈ આવા જેહાદી તત્વો આ ચારેય આતંકીઓ સાથે સંપર્કમાં રહી સ્લીપર સેલની ભૂમિકા ભજવતા હતા કે કેમ ? તે તરફ પણ એટીએસ દ્વારા ચારેયની પૂછતાછ હાથ ધરાઈ છે.

ગુજરાતમાં રહીને બે આતંકી જેહાદી પ્રવૃત્તિ ચલાવતા હતા અને આ દરમિયાન તેમના સંપર્કમાં દિલ્હી અને નોઈડાના બે આતંકવાદી પણ હોવાની એટીએસને માહિતી મળી હતી. ડીઆઈજી સુનિલ જોશીની ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય અને અધિકારીઓ અને ૨૫થી વધુ જવાનો સાથેની ચાર ટીમ બનાવાઈ હતી. આતંકીઓને ભનક ન પડે તે રીતે એટીએસની ટીમો દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ચાર આતંકી દબોચાયા હતા.

દિલ્હીના આતંકીનું પાકિસ્તાન સાથે કનેક્શન
પકડાયેલા ચાર આતંકી પૈકી દિલ્હીના મોહંમદ ફૈક મોહંમદ રિઝવાનના મોબાઈલ ફોન સોશિયલ મીડિયા એકાઉન્ટ એટીએસ દ્વારા ચેક કરાયા હતા. મોહંમદ પાકિસ્તાનનો આતંકી સાથે સંકળાયેલો હતો ત્યાંથી આવતી પોસ્ટ અને જેહાદી સાહિત્ય મોહંમદ અન્ય ત્રણ આતંકીઓને શેર કરતો હતો. સોશિયલ મીડિયા ગ્રુપમાં મુકવામાં આવતા હતા. મોહંમદની પૂછતાછમાં પાકિસ્તાનના અલકાયદાના આતંકી સંગઠનનો ચહેરો કોણ તે બહાર આવવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો : અલકાયદાનું ગુજરાત કનેક્શન : 4 આતંકી પકડાયા,ઓપરેશન સિંદૂર સમયે દેશ વિરોધી પોસ્ટ કરતા, 14 દિવસના રિમાન્ડ મંજુર

સોશિયલ મીડિયામાં અલગ-અલગ આઈડી બનાવીને દેશદ્રોહી કૃત્ય ચલાવતા હતા
ઝડપાયેલા ચારેય આતંકી પૈકી પ્રથમ અમદાવાદનો મોહંમદ ફરદીન પકડાયો હતો તેના મોબાઈલ ફોન એકાઉન્ટ ચેક કરાતા ઈન્સ્ટા ગ્રુપ અને અન્ય આઈડી મારફતે જેહાદી પ્રવૃત્તિ ચલાવતાં હતો. Ya આ ઉપરાંત અન્ય ત્રણ આતંકી પણ સોશિયલ મીડિયા થકી સંકળાયેલા હતા. ચારેયનું કોર ગ્રુપ હતું. જે કોર ગ્રુપમાં અલકાયદાનું ભારત વિરોધી ઝેર ઓકતું સાહિત્ય સરિયત લાગુ કરવા, દેશમાં હિંસા ફેલાય તે મુસ્લિમ યુવાનોમાં ભારત વિરોધી ઝેર રેડાય તે મુજબની પોસ્ટ, અફઘાનમાં મૃત્યુ પામેલા અલકાયદાના આતંકીનો બયાન વીડિયો અને આવા કન્ટેન્ટ મુકવામાં આવતા હતા. પાંચ ડમી આઈડી બનાવાઈ હતી અને સોશિયલ મીડિયા ગ્રુપમાં અનેકને જોડીને આવી પોસ્ટો શેર કરવામાં આવતી હતી. મોટાભાગના લખાણ અંગ્રેજી તેમજ ઉર્દુ ભાષામાં મુકાતા હતા.
