ગત 18 નવેમ્બરે પંજાબના અમૃતસર શહેરમાં યુવકની હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ હત્યા પાંચ લોકોએ મળીને કરી હોવાનું ખુલ્યા બાદ ચાર પકડાઈ ગયા હતા જ્યારે એક શખસની શોધખોળ ચાલી રહી હોય તે પંજાબ કે અન્ય રાજ્ય નહીં પરંતુ જામનગરમાં આવીને છૂપાયો હોવાની માહિતી મળતાં જ એન્ટી ટેરેરિઝમ સ્કવોડ (ATS) દ્વારા જામનગર એસઓજીને સાથે રાખી હત્યાના આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે 18 નવેમ્બરે અમૃતસરના મખનસિંઘ મધોળુરામ નામના શખસની હત્યા થઈ હતી. આ હત્યામાં સંડોવાયેલા ધરમવીરસિંઘ, કરમવિરસિંઘ, બ્રિકમજીતસિંઘ અને ઝોનની પંજાબ પોલીસ દ્વારા અટકાયત કરી પૂછપરછ કરતાં આ હત્યામાં વધુ એક આરોપી લવપ્રિતસિંઘ હરજીતસિંઘ (રહે.કોટલા ખૂર્દ-અમૃતસર)નું નામ પણ સામે આવ્યું હતું. અમૃતસર પોલીસ દ્વારા લવપ્રિતસિંઘની ચારેય દિશામાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તે હાથ લાગી રહ્યો ન્હોતો.
દરમિયાન અમૃતસર પોલીસ દ્વારા લવપ્રિતસિંઘ જામનગરના મેઘપરમાં આવેલી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરવા માટે એક દિવસ પહેલાં જ આવ્યો હોવાની જાણકારી ATSને આપવામાં આવતાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, પીએસઆઈ મયુરસિંહ સોલંકી, જિજ્ઞેશ વરમોરા સહિતે જામનગર એસઓજીને જાણ કરતાં એસઓજી પીઆઈ ભારતીબેન ચૌધરી સહિતની ટીમે મેઘપરમાં આવેલી ચાલીમાં દરોડો પાડી એક શખસને ઉઠાવી લીધો હતો. આ શખસની પૂછપરછ કરતાં તે પોતે જ લવપ્રિતસિંઘ હોવાની કબૂલાત આપતાં તેની ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
લવપ્રિતસિંઘે જણાવ્યું હતું કે તેણે પોતાના સાગરિતો સાથે મળીને મખનસિંઘની હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા બાદ તે દરરોજ ઠેકાણા બદલી નાખતો હતો. આ પછી પરિચીત મારફતે જ તે જામનગર આવી ગયો હતો અને અહીં નોકરીની તલાશમાં હતો જેથી નોકરી પણ મળી જાય અને આશરો પણ મળી રહે એટલા માટે જ તે અહીં આવી ગયો હતો.
