મરઘા ઉછેર કેન્દ્ર શરૂ ન કરતા જમીન ખાલસા કરતા આસિસ્ટન્ટ કલેકટર
રાજકોટ તાલુકાના રાણપુર ગામે મરઘા ઉછેર માટે ફાળવવામાં આવેલ જમીન ઉપર જમીન ફાળવણીની શરત મુજબ લાભાર્થીએ મરઘા ઉછેર કેન્દ્ર શરૂ ન કરતા આસિસ્ટન્ટ કલેકટર રાજકોટ દ્વારા ૧૭૧૯ ચોરસમીટર જમીન ખાલસા કરી સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વર્ષ ૨૦૦૪માં રાજકોટ તાલુકાના રાણપુર ગામે ઇન્દ્રજીત રવજીભાઈ પરમાર નામના અસામીને મરઘા ઉછેર કેન્દ્ર માટે રેવન્યુ સર્વે નંબર ૨૨૧ પૈકી ૧ પૈકી ૧ની ૧૭૧૯ ચોરસમીટર જમીન નવી શરતના ધોરણે ફાળવી હતી.બાદમાં વર્ષ ૨૦૨૨માં લાભાર્થી ઇન્દ્રજીત રવજીભાઈ પરમાર દ્વારા આ જમીન જૂની શરતમાં ફેરવવા અરજી કરતા મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા ઉપરોક્ત સ્થળે મરઘા ઉછેર કેન્દ્ર ચાલું જ ન હોવાનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને કરવામાં આવતા જિલ્લા કલેકટરે રાજકોટ સીટી પ્રાંત-૨ આસિસ્ટન્ટ કલેક્ટરને શરતભંગના પગલાં લેવા જણાવતા આસિસ્ટન્ટ કલેકટર દ્વારા કેસ ચલાવી શરતભંગ સાબિતમાની ૧૭૧૯ ચોરસમીટર જમીન ખાલસા કરી સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો.
