ગાંધીનગરમાં ASI બે લાખની લાંચ લેતા ઝડપાયો : અરજીમાં ગુનો ન નોંધવા બે લાખની રકમ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધો
ગાંધીનગરના સેકટર – 7 પોલીસ મથકના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અશોક બેચરભાઇ ચૌધરીને અરજીની તપાસના કામે ગુનો દાખલ નહીં કરવાની અવેજીમાં બે લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ટ્રેપ ગોઠવી ઝડપી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
ગાંધીનગર સેકટર – 7 પોલીસ મથકના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો અશોક બેચરભાઇ ચૌધરી અડાલજ કન્ટેનર બ્રીજ પાસે અતીથી ધાબા પાસે સર્વીસ રોડ એસીબીની ટ્રેપમાં આબાદ રીતે બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. એએસઆઇ અશોક ચૌધરી નાણાકીય લેતી દેતી અંગેની ગેરરીતીની અરજીની તપાસ કરી રહ્યો હતો.
આ તપાસના કામે ફરીયાદીને હેરાનગતી નહી કરવા અને ગુનો દાખલ નહી કરવાના અવેજ પેટે એ.એસ.આઈ અશોક ચૌધરીએ બે લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા નહીં હોવાથી એસીબીમાં ફરીયાદ કરી હતી.
જે અનુસંધાને એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામકનાં સુપર વિઝન હેઠળ પીઆઈ આર.એન.વિરાણીએ અડાલજ કન્ટેનર બ્રીજ પાસે અતીથી ધાબા પાસે સર્વીસ રોડ ઉપર લાંચ નું છટકું ગોઠવ્યું હતું. આ દરમ્યાન એ.એસ.આઈ અશોક ચૌધરીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ફરિયાદી પાસેથી સ્વીકારી હતી. અને એજ ઘડીએ એસીબી ની ટીમે લાંચીયા એ.એસ.આઈ અશોકને રંગેહાથ ઝડપી લીધો હતો.