બજેટમાં જાહેર કરેલી યોજના માત્ર ‘કાગળ’ પર હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ RMCના શાસકો એક્શનમાં, તમામ અધિકારીઓને આપ્યો કડક સંદેશ
રાજકોટ મહાપાલિકાના વર્ષ 2025-26ના નાણાકીય બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અલગ-અલગ 20 પ્રકારની યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી જે પૈકી અનેક યોજનાઓ હજુ માત્ર `કાગળ’ ઉપર જ હોવાનો અહેવાલ `વોઈસ ઓફ ડે’માં પ્રસિદ્ધ થતાં જ શાસકોએ એક્શનમાં આવી જઈને મંગળવારે ત્રણેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ત્રણેય ઝોનના સિટી ઈજનેર તેમજ અન્ય અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક કરીને તેમના (શાસકો) દ્વારા જાહેર કરાયેલી યોજનાઓના ટેન્ડર દિવાળી સુધીમાં પ્રસિદ્ધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે ચાલું નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઉમેરવામાં આવેલી નવી યોજનાઓ આખરે ક્યાં પહોંચી છે તેનો `હિસાબ’ માંગવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા અમુક યોજના અમલી બનાવાઈ છે જ્યારે અમુક યોજના વહીવટી પ્રક્રિયા જેવી કે એસ્ટીમેટ અથવા ટેન્ડરિંગ કે દરખાસ્તના સ્તરે છે. જો કે જે પણ દરખાસ્ત અત્યારે ટેન્ડરિંગ સ્તરે છે તે તમામના ટેન્ડર દિવાળી પહેલાં જ પ્રસિદ્ધ કરવા સ્પષ્ટ સુચના અપાઈ હતી.

એકંદરે ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયા બાદ યોજનાનો સડસડાટ અમલ થાય તેના ઉપર પણ શાસકોનું ઓબ્ઝર્વેશન રહેશે અને એક પણ યોજના `કાગળ’ ઉપર ન રહી જાય તેની પૂરી ગેરંટી સ્ટે.ચેરમેને આપી હતી.
આ પણ વાંચો : Gujarat Bridge Collapse: ગંભીરા બ્રિજ તૂટતા 9 લોકોના મોત, તંત્ર દ્વારા નવો ડાયવર્ઝન રુટ જાહેર, જાણો હવે ક્યાં થઇને જવાશે
2024-25ના બજેટમાં જાહેર કરાયેલી બધી યોજના અમલી
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2024-25ના બજેટમાં અલગ-અલગ 18 પ્રકારની યોજના ઉમેરવામાં આવી હતી જે તમામનો અમલ શરૂ કરાવી દેવામાં આવ્યો હોવાનું ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું. આ યોજનાઓમાં નવી સાઉથ ઝોન કચેરી બનાવવા, માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવિનીકરણ, મહાપાલિકાના દરેક વોર્ડમાં આધુનિક વોર્ડ ઓફિસ સહિતનો સમાવેશ થાય છે. આ તમામ યોજનાઓ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે.