નોકરીએ રાખ્યાના પ્રથમ દિવસે જ કારીગર 1 કરોડનું સોનુ લઇને ફરાર : 3.5 માસ સુધી શોધ્યો, ભાળ ન મળતાં અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
રાજકોટ શહેરના સોનીબજાર ગોલ્ડન માર્કેટ પાસે બિલ્ડિંગમાં શ્રી હરિ ઓર્નામેન્ટ નામે સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતાં સોની વેપારીએ નોકરી રાખ્યાના પ્રથમ દિવસે જ બંગાળી કારીગર એક કરોડથી વધુની કિંમતનું સોનુ લઈને ફરાર થઈ ગયો હોવાની સાડા ત્રણ માસ પૂર્વેની ઘટના હવે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
પ્રહલાદ પ્લોટમાં રહેતા તરૂણભાઈ કનૈયાલાલ પાટડિયા (ઉ.વ.63)એ ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે પશ્ચિમ બંગાળના સફીફુલ શેખનું નામ આપ્યું છે. તરૂણભાઈ કારીગરો રાખીને સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. તેમની પેઢીમાં જાહીદ મલિક ઉર્ફે રાજુ આઠ માસથી નોકરી કરે છે.

સાડા ત્રણ માસ પૂર્વે જાહીદે તેના ગામનો પરિચિત કારીગર છે તેને કામ પર રાખવા તરૂણભાઈને ભલામણ કરી હતી. તરૂણભાઈએ જૂના કારીગર જાહીદના કહેવાતી સફીફુલ શેખને તા.27-5-25ના રાજે નોકરી પર રાખ્યો હતો. જાહીદ સાથે કામ કરતો હતો. રાત્રે બે વાગ્યા સુધી દુકાને કામ કર્યા બાદ દુકાન બંધ કરીને રામનાથપરામાં ભાડાના મકાનમાં રહે છે ત્યાં રાત્રે સુવા ગયા હતા. એ દરમિયાન સફીફુલ દુકાનની ચાવી લઈને ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બીજા દિવસે સવારે જાહીદે તરૂણભાઈને ફોન કર્યો કે તે અને સફીફુલ શેખ મોડીરાત સુધી દુકાન પર હતા, ઘરે ગયા બાદ સફીફુલે ચોરી કરી હતી. વેપારીએ દુકાન પર આવીને તપાસ કરતાં ઘરેણા બનાવવા આપેલું 18 કેરેટનું 1349.330 ગ્રામ સોનુ કે જેની કિંમત 1,0100985 રૂપિયા થાય છે તે ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
આરોપીનો મોબાઈલ ફોન નંબર પણ બંધ આવતો હતો. સાડા ત્રણ માસ સુધી બીજા કારીગર જાહીદના વિશ્વાસે રહ્યા બાદ અંતે તરૂણભાઈએ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એ-ડિવિઝન પોલીસે હવે તપાસના ઘોડા દોડાવવા, સીસીટીવી ચેક કરવા આથી કારીગર જાહીદની પૂછતાછ પીઆઈ બી.વી. બોરીસાગર તથા ટીમે હાથ ધરી છે.
રાજકોટની સોનીબજાર વિશ્વવિખ્યાત જેવી છે. અહીં હવે મહત્તમ કારીગરો પરપ્રાંતિયો થઈ ગયા છે. સોની વેપારીઓને સમયાંતરે બંગાળી કારીગરો વિશ્વાસમાં લઈને લાખો, કરોડોનું સોનુ ઓળવી જતાં હોય છે. આવા અનેક કિસ્સા બન્યા છે છતાં સોની વેપારીઓ પાસે કાં તો કોઈ ઓપ્શન ન હોય અથવા તો બંગાળી કારીગરો પ્રમાણમાં લોકલ કરતાં સસ્તી મજૂરીમાં અને ઝડપી કામ કરતા હોય લાભના કારણે પશ્ચિમ બંગાળીઓ પર વધુ વિશ્વાસ મુકે છે ને ભોગ બનતા રહે છે. અનેક એવા પણ કિસ્સા બને છે કે બે-પાંચ, દસ લાખ કે આવી રકમના સોનામાં ફરિયાદો પણ થતી ન હોવાથી આવા કારીગરો વધુ ફાવી જાય છે. બધા સરખા પણ નથી હોતા. આવા કારીગરોના કારણે વર્ષોથી કામ કરનારાઓને પણ સહન કરવું પડે છે.
ચોરી કરવાનો જ ઇરાદો હોય તેમ પ્રથમ દિવસે આધાર કાર્ડ ન આપ્યું
આરોપી સફીફુલ દુકાન પર ચોરી કરવાના ઈરાદે જ કામ પર રહ્યો હોય તેમ નોકરીએ રહેતા તરૂણભાઈએ તેનું આધાર કાર્ડ અને વિગત માંગી હતી જેથી આરોપીએ કાલે આપશે સાથે તેની ભલામણ કરનાર જાહીદે પણ કાલે આપી દેશે તેવી વાત કરતાં તરૂણભાઈ જૂના કારીગરની વાતના ભરોસામાં આવી ગયા હતા.
જૂના કારીગરના વિશ્વાસે ફરિયાદ પણ મોડી કરી
એક કરોડથી વધુની કિંમતનું સોનુ પહેલાં જ દિવસે ઓળવી જનાર પશ્ચિમ બંગાળના સફીફુલને નોકરી પર પણ આઠેક માસથી નોકરી કરનાર જાહીદના કહેવાથી રાખ્યો હતો. નાસી ગયા બાદ પણ જાહીદે જ શેઠને વિશ્વાસ અપાવ્યો કે મારા ગામનો છે, હું મારી રીતે પ્રયાસ કરૂ છું, ઘરમેળે પતી જશે જેથી આવી વાતને લઈને તરૂણભાઈએ ફરી જૂના કારીગરના શબ્દો પર ભરોસો રાખ્યો. સાડા ત્રણ માસ સુધી જાહીદ શોધી ન શકતા અંતે છેતરાયાનો અહેસાસ થતાં હવે ફરિયાદ નોંધાવી છે.
