રાજકોટ જિલ્લામાં સસ્તા અનાજની 4 નવી દુકાનો ખોલવા બહાલી : કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની બેઠક
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પ્રધાનમંત્રી પોષણ યોજનાની સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેકટરે ગોંડલ તેમજ કોટડા સાંગાણી તાલુકા ખાતે નવી ચાર સસ્તા અનાજની દુકાન શરૂ કરવા બાબતે બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ સંસ્થાએ બાળકોને વિવિધ યોજના અંતર્ગત આપવામાં આવતા ખોરાકમાં ફૂડ ફોર્ટીફિકેશન અંગે જાણકારી આપી હતી.

નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશે આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા, પુરવઠા અને વહેંચણી, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, ‘વન નેશન, વન રાશન કાર્ડ’ યોજના, જિલ્લામાં આવેલી વાજબી ભાવની દુકાનોની સંખ્યા, વિતરણ અને તપાસ, ગ્રાહકોના પ્રશ્નો અને ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓ, તકેદારી સમિતિની કામગીરી, તોલમાપ સહિત બાબતો અંગે સમીક્ષા કરી કોટડાસાંગાણી તાલુકાના વેરાવળના ૩ ગામ તથા ગોંડલ તાલુકાના વાસાવડ ગામ ખાતે નવી વાજબી ભાવની દુકાન ખોલવા તથા જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કાયમી માન્યતા આપવા બહાલી આપી હતી.
આ ઉપરાંત, પ્રધાનમંત્રી પોષણ યોજનાની જિલ્લા કક્ષા સમિતિની બેઠકમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત થતી વિવિધ કામગીરીઓ અંગે સંબંધિત અધિકારીને જરૂરી સૂચના આપી હતી. તેમજ પડધરી તાલુકાના આ યોજના હેઠળ આવરી લેવાયેલા રસોડાના ઉપયોગમાં ન લઈ શકાય તેવા વાસણોના નિકાલ કરવાના ઠરાવ અંગે ચર્ચા-વિચારણા કરીને બહાલી આપી હતી. વધુમાં, ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ સંસ્થાના પ્રતિનિધિશ્રીએ તેમની પ્રવૃતિઓ અને ફૂડ ફોર્ટિફિકેશન વિશે જાણકારી આપી હતી.
