અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ફરી એક વાર ધમકી
અમદાવાદ એરપોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવામાં આવશે તેવા પ્રકારની હાથે લખેલી એક ચિઠ્ઠી મળી આવતા થોડો સમય દોડધામ મચી ગઈ હતી. જેદાહથી અમદાવાદ આવેલી ઈન્ડીગોની ફ્લાઈટમાંથી આ ચિઠ્ઠી મળી હતી. આ ચિઠ્ઠી મળ્યા બાદ તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા અને તમામના રાઈટીંગ સેમ્પલ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અંગે એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પહોંચી હતી અને મળેલી ચિઠ્ઠીને એફએસએલમાં મોકલી આપવામાં આવી હતી. એરપોર્ટ પર સીઆઇએસએફ દ્વારા પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ત્રણ મહિના પહેલા પણ ઇન્ડિગોની ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. પરંતુ તે સમયે કંઇ હાથ ન લાગતા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.