વધુ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે જીવન ટૂંકાવ્યું : પિતાના ઘરેથી ગાડી લઈને નીકળ્યા બાદ મૃતદેહ કેનાલમાંથી મળ્યો
આણંદની ફેમસ મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર રિદ્ધિ સુથારે લાંભવેલથી પસાર થતી કેનાલમાં ઝંપલાવ્યું હતું. તેનો કણજરી નજીક કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જેને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે કણજરી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
રિદ્ધિ પોતાના પિતા હિરેનભાઈના ઘરેથી જ ગાડી લઈને નીકળી હતી. ત્યારબાદ તેનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો.આ ઘટનાની જાણ થતા નડિયાદ ગ્રામ્ય મામલતદાર, ડીવાયએસપી વિમલ બાજપાઈ તેમજ વડતાલ પોલીસ સહિતની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
રિદ્ધિ સુથાર મોડલિંગ અને ઇનફલ્યુન્સર તરીકે કામ કરતી હતી. તેણીના પતિ રૂષિન પટેલ તાજેતરમાં જ બોરીયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી જીતી કારોબારી ચેરમેન બન્યા હતા. રિદ્ધિને દોઢ વર્ષનું એક બાળક પણ છે. આમ એક બાળકની માતા રિદ્ધિના આપઘાતથી બોરીયાવી સહિતના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આણંદના રહેવાસી રિદ્ધિના પિતા હિરેનભાઈ નંદલાલ સુથારે BNS કલમ 191 મુજબની જાહેરાત આપી હતી. આ માહિતીને આધારે પોલીસે અકસ્માતે મોતનો બનાવ નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.