આ તારીખથી ફરી કમોસમી વરસાદનો રાઉન્ડ થશે શરૂ : આ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના, વાંચો હવામાન વિભાગની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતને કારણે રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી તા.22થી 24 દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.બીજી તરફ વાદળોની આવનજાવન વચ્ચે શનિવારે પણ રાજકોટના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી રહ્યું હતું.જયારે રાજ્યમાં સૌથી ઉંચુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી નોંધાયું હતું.
22મી મેથી વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 22 મે સુધી છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી યથાવત છે. આવનારા 7 દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે.
અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણના કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડવાની સાથે આગામી તા.22થી 24 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.સાથે જ આગામી તા.21 સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ચાલુ રહેવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.
દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે પણ રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો થોડો નીચે ઉતર્યો હતો.શનિવારે રાજ્યમાં સૌથી ઉંચુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી રહ્યું હતું.જયારે કંડલા એરપોર્ટ ઉપર 40.1, રાજકોટમાં 39.3, ડીસામાં 39.2, અમરેલીમાં 38.7, ભુજ અને ગાંધીનગરમાં 38.5, અમદાવાદમાં 38.3, ભાવનગરમાં 37.7, વડોદરામાં 37.4, નલિયામાં 35.2 અને પોરબંદરમાં 34.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.