રાજકોટમાં સ્પાની આડમાં વધુ એક કુટણખાનું પકડાયું : વૃદ્ધ પણ રંગરેલિયા મનાવવા આવ્યા’તા! સ્પા સંચાલક સહિત બે ફરાર
રાજકોટમાં સ્પાની આડમાં કુટણખાના ધમધમતા હોવાનું હવે સૌ કોઈ જાણી રહ્યું છે આમ છતાં પોલીસ દ્વારા ‘મુહૂર્ત’ હોય ત્યારે ચોક્કસ જગ્યાએ ચેકિંગ કરી સંતોષ માની લેવામાં આવતો હોય આ દૂષણ બિલાડીના ટોપની માફક વકરી ગયું છે. આવું વધુ એક સ્પા કે જ્યાં કુટણખાનું ધમધમી રહ્યું હોય પોલીસે દરોડો પાડી સ્પા સંચાલક સહિત બે લોકો સામે ગુનો નોંધ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે અહીં વૃદ્ધ પણ રંગરેલિયા મનાવવા આવી પહોંચ્યા હતા અને જેવો પોલીસે દરોડો પાડયો કે તેમના શ્વાસ પણ અધ્ધર ચડી ગયા હતા.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ના હેડ કોન્સ્ટેબલ મહમ્મદઆરીફ અંસારી સહિતની ટીમે સાધુ વાસવાણી મેઈન રોડ પર અતુલ બેકરીની ઉપર બીજા માળે એમ.એસ. વેલનેસ ફેમિલી નામના સ્પામાં ચેકિંગ કરતાં પોલીસને જોઈ કાઉન્ટર પર બેઠેલી એક યુવતી અને એક યુવક ફરાર થઈ ગયા હતા. જ્યારે એક યુવતી હાથમાં આવી જતા તેને સાથે રાખી સ્પાનું ચેકિંગ કરવામાં આવતાં એક રૂમમાંથી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક રૂમની તલાશી લેતાં ત્યાંથી એક 42 વર્ષીય મહિલા અને 58 વર્ષી ય વૃદ્ધ પણ મળી આવ્યા હતા. આ વૃદ્ધની પૂછપરછ કરાતાં તેમણે કહ્યું કે તેઓ અહીં મસાજ લેવા આવ્યા હતા પરંતુ મસાજ લ્યે તે પહેલાં જ પોલીસ પહોંચી ગઈ હતી !
હાજર યુવતીની પૂછપરછ કરવામાં આવતાં તેણે કહ્યું કે આ સ્પાનું સંચાલન મૂકુંદ જયેશભાઈ કાચા (રહે.વિષ્ણુ વિહાર સોસાયટી શેરી નં.4) કરે છે અને અહીં નવીન લામા નેપાળી નામના યુવક કાઉન્ટર સંભાળે છે. અહીં આવનાર ગ્રાહક પાસેથી 2000 રૂપિયા રંગરેલિયા મનાવવાના અને એક હજાર રૂપિયા સ્પાની એન્ટ્રી ફી વસૂલવામાં આવે છે. પોલીસે સ્પામાંથી 2735ની રોકડ સહિત 37350નો મુદ્દામાલ કબજે કરી સંચાલક સહિતની શોધખોળ હાથ ધરી હતી.
