સમગ્ર દેશમાં હાલ મેઘાવી માહોલ જામ્યો છે ત્યારે વાત કરીએ મહારાષ્ટ્રના મુંબઈની તો ત્યાં ગઈકાલે રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, મુંબઈમાં 8 જુલાઈ (સોમવાર)ના રોજ દિવસભર મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે. રાત્રે વાવાઝોડાની અપેક્ષા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અનુસાર, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. કલ્યાણ-કસારા સેક્શનમાં ખડાવલી અને ટીટવાલા વચ્ચે લાંબો ટ્રાફિક જામ થયો હતો અને લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. વરસાદી પાણી ઓછુ થયા બાદ સેન્ટ્રલ લાઇન પર લોકલ ટ્રેન સેવા ફરી શરૂ થઇ છે.

ગઈકાલે મહારાષ્ટ્રના થાણે અને પાલઘરમાં ભારે વરસાદ બાદ હવે મુંબઈમાં પણ વરસાદ પડી રહ્યો છે. રાતોરાત વરસાદ પડ્યો, મુંબઈમાં કિંગ સર્કલ, અંધેરી સબવે જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે અંધેરી સબવે બંધ કરવો પડ્યો હતો. તે જ સમયે, થાણેમાં ભારે વરસાદને કારણે, ભાંડુપમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ છે. તમામ શાળા-કોલેજોમાં પ્રથમ સત્રમાં રજા જાહેર કરવામાં આવી છે.
શહેરના ઘણા ભાગોમાં ભારે વરસાદના અહેવાલ પછી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ શહેરના વિવિધ ભાગોમાં ગંભીર પાણી ભરાઈ જવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેની ટીમો તૈનાત કરી છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. થાણે, વસઈ (પાલઘર), મહાડ (રાયગઢ), ચિપલુણ (રત્નાગીરી), કોલ્હાપુર, સાંગલી, સાતારા ઘાટકોપર, કુર્લા અને સિંધુદુર્ગમાં ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFએ કહ્યું કે તેણે ત્રણ નિયમિત ટીમો અંધેરીમાં અને એક ટીમ નાગપુરમાં તૈનાત કરી છે. આ કાર્યવાહી ” દુર્ઘટનાને રોકવા અને કોઈપણ પૂર જેવી પરિસ્થિતિના કિસ્સામાં યોગ્ય પ્રતિસાદ આપવા” માટે લેવામાં આવી હતી.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું કે આજે સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી એટલે કે કુલ છ કલાકમાં મુંબઈમાં વિવિધ સ્થળોએ 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.
બીજી તરફ ઉત્તરાખંડમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને કારણે કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે સહિત 115થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભૂસ્ખલન અને કેટલાક ધોવાણને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ પછી ચાર ધામ યાત્રા રોકી દેવામાં આવી હતી. જેના કારણે 6 હજાર શ્રદ્ધાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. ગંગા, અલકનંદા, ભાગીરથી સહિત અનેક નદીઓ ખતરાના નિશાનની નજીક વહી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 જૂનથી ઉત્તરાખંડમાં 276.8 મીમી વરસાદ થયો છે. જ્યારે સામાન્ય ક્વોટા 259 મી.મી. સમગ્ર ચોમાસા દરમિયાન ઉત્તરાખંડમાં સરેરાશ 1162.2 મીમી વરસાદને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે.