અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર ડ્રાઈવરને ઝોકું આવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ : પરિવારના 3 લોકોના નિપજ્યાં મોત
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે જેમાં અનેક પરિવારના માળા વિખાય જાય છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સુરત હાઇવે પર સામે આવી છે જેમાં ડ્રાયવરને જોકું આવી જતાં પરિવારના 3 સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ગાડીનો પણ બૂકડો બોલી ગયો હતો ત્યારે અકસ્માતની જાણ થતાં સ્થાનિકો અને રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ થતાં બનાવસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર આ ઘટના અંકલેશ્વરને સુરત સાથે જોડતા હાઈવે પર હાંસોટ તાલુકાના શેરા ગામ પાસે થઈ હતી જ્યાં વહેલી સવારે ભાવનગરના પરિવારને એક ગમખ્વાર નડ્યો હતો. પરિવાર સુરત જઇ રહ્યો હતો. તે દરમિયાન કાર ચાલકને ઝોંકુ આવી જતાં કાર ધડકાભેર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચાતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જોકે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને અકસ્માતમાં ભોગ બનેલા લોકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કાર ચાલકને ઝોંકુ આવી જતાં અકસ્માત સર્જાયો હતો.