કિર્તી પટેલ, ગુડ્ડી પટેલ અને તેના સાથીદારો આ મહિલાના ઘરમાં ઘુસી ગયા હતા
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અને વારંવાર વિવાદાસ્પદ વર્તન કરતી કિર્તી પટેલ ફરી એક વખત વિવાદમાં છે. તાજેતરમાં એક મહિલાના ઘરમાં ગેરકાયદે ઘુસી જવા બદલ કિર્તી પટેલ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કિર્તી પટેલ અને તેના બે સાથીદારોએ મળીને એક મહિલાને તેના ઘરમાંથી હાંકી કાઢી મુકી છે એવી ફરિયાદ થઈ છે. અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસે આ કેસમાં એફઆઈઆર દાખલ કરી છે. પોલીસની એફઆઈઆર પ્રમાણે રમીલા મકવાણા નામની મહિલા અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં માનસી સર્કલ નજીક ગોયલ પાર્કમાં રહે છે. રમીલા મકવાણાએ 2014માં રામનિવાસ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ પતિ-પત્ની વચ્ચે સુમેળ ન હોવાના કારણે તેમના છૂટાછેડા થઈ ગયા હતા. છતાં રમીલાએ રામનિવાસ અગ્રવાલ સાથે જ રહેવાનું ચાલુ રાખ્યું હતું.
એફઆઈઆર પ્રમાણે બે દિવસ અગાઉ કિર્તી પટેલ, ગુડ્ડી પટેલ અને તેના બે સાથીદારો આ મહિલાના ઘરમાં ઘુસી ગયા હતા, તેને ધમકાવી હતી અને ઘર ખાલી કરવા માટે ફરજ પાડી હતી. કિર્તી પટેલના બે સાથીદારોના નામ વિરામ ભરવાડ અને મુકેશ ચૌધરી હોવાનું નોંધવામાં આવ્યું છે.
કિર્તી પટેલ અને તેના સાથીદારોએ રમીલા મકવાણા સાથે બળપ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે જેના કારણે રમીલાને દુખાવો થયો હોવાથી તે હોસ્પિટલે સારવાર લેવા ગઈ હતી. ડોક્ટરે આ વિશે પોલીસને જાણ કરતા એફઆઈઆર કરવામાં આવી છે.
સુરત સ્થિત કિર્તી પટેલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના કારનામાના કારણે ઘણી વખત વિવાદમાં આવે છે. અગાઉ એક વખત તેણે એક મહિલાના વાળ કાપીને તેના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપી હતી તથા તેના વિશે બીભત્સ વાતો પણ કરી હતી. અગાઉ સોશિયલ મીડિયા સ્ટાર કોમલ પંચાલે પણ કિર્તી પટેલ સામે ફરિયાદ કરી હતી અને પોતાના પર હુમલો કરવાનો આરોપ મુક્યો હતો. કોમલ પંચાલ અને કિર્તી પટેલ વચ્ચે ગળાકાપ હરીફાઈ હતી જેમાં આગળ જતા ઝઘડો થયો હતો.
સુરતમાં પણ કિર્તી પટેલ વારંવાર વિવાદમાં ચમકતી હોય છે. એપ્રિલ મહિનામાં સુરતમાં એક વેપારી સાથે રૂપિયાના મામલે વિવાદ થવાથી આ મુદ્દો પોલીસ કમિશ્નરની કચેરી સુધી પહોંચ્યો હતો. કિર્તી આ વેપારીને ધાકધમકી આપતી હતી અને બેફામ શબ્દો કહીને તેને અપમાનિત કરતી હતી તેવા આરોપો મુકવામાં આવ્યા હતા.
ગયા વર્ષે જુનાગઢમાં કિર્તી પટેલ અને તેના કેટલાક સાથીદારોને એક ઝઘડાના કેસમાં પકડવામાં આવ્યા હતા. તેઓ ગેરકાયદે ટોળકી બનાવીને ભેંસાણમાં એક પરિવાર સાથે લડવા ગયા હતા ત્યારે ફરિયાદ થઈ હતી. તેમાં કિર્તી પટેલ અને બીજા 9 લોકો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસ પણ સોશિયલ મીડિયા પર ભારે ચગ્યો હતો અને તેના વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા હતા.