અમરેલી : લાઠી નજીક ગંભીર અકસ્માત, છકડો રિક્ષા અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના 3 સભ્યોના મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે આજે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના અમરેલીમાંથી સામે આવી છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે રાત્રે છકડો રીક્ષા અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા ખારા ગામના બે યુવાન અને એક બાળકીનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જયારે એક યુવકને ગંભીર ઇજા સાથે અમરેલી સિવીલમા રીફર કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે છકડા અને બાઇક વચ્ચે ધડાકાભેર જોરદાર ટક્કર સર્જાઇ હતી. લીલીયા નજીક આવેલા ખારા ગામનો દેવીપુજક પરિવાર જગદીશભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.25) દિનેશભાઈ મનુભાઇ વાઘેલા (ઉ.વ.33) અને દિનેશભાઈની બે વર્ષની પુત્રી રાજલ ત્રણ સવારી બાઇકને દામનગર જવા નીકળ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલા છકડા સાથે ટક્કર સર્જાતા એક જ પરિવારના ત્રણેય સભ્યોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે રીક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પી.એમ. અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.