રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ આ તારીખે રહેશે બંધ, જાણો શું છે કારણ
રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટઓફિસ સતત 2 દિવસ રહેશે બંધ. પોસ્ટલ સેવા ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂ કરાશે. રવિવારના પણ પોસ્ટઓફિસ બંધ જ રાખવામાં આવતી હોય છે ત્યારે ડિજિટલ સેવાની કામગીરી અંતર્ગત 7મી તારીખના રોજ સોમવારે રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેશે. પોસ્ટલ સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેટા માઈગ્રેશન અને નવી સિસ્ટમ કાર્યરત કરવા પોસ્ટલ કામગીરીને બ્રેક લગાડવામાં આવી છે.
અદ્યતન એપ્લીકેશન રોલ આઉટ કરવામાં આવી
ટપાલ વિભાગ દ્વારા અદ્યતન APT ( Advance Postal Technology) એપ્લીકેશન રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે. આ રૂપાંતરકારી પહેલના ભાગરૂપે રાજકોટ ડિવિઝન ખાતેની તમામ કચેરીઓમાં તા.08 –જુલાઇ 2025થી નવી સિસ્ટમ અમલમાં આવશે.
આ આધુનિક ડીજીટલ પ્લેટફોર્મ પર સરળ અને સુરક્ષિત સ્થાનાન્તર કરવા માટે 07 જુલાઇ 2025 અને ( સોમવાર )ના રોજ ડાઉન ટાઈમ નક્કી કરવામાં આવ્યું છે. જેથી તા. 07-07-2025( સોમવાર )ના રોજ કોઈ પણ જાહેર લેણ-દેણ નહિ થાય. આ હંગામી સેવા વિક્ષેપ ડેટા માઈગ્રેશન, સિસ્ટમ ચકાસણી અને કન્ફિગરેશન પ્રક્રિયા માટે જરૂરી છે.
APT એપ્લીકેશને વધુ ગ્રાહકલક્ષી બનાવવા માટે રચાયેલ છે. આથી ગ્રાહકોને તેમની મુલાકાતોનું અગાઉથી આયોજન કરવા અને હાલની સ્થિતિમાં સહકાર આપવા રાજકોટ ટપાલ વિભાગે અનુરોધ કર્યો છે.