દેશમાં અનેક જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેઈલ શમવાનું નામ લેતા નથી. દિલ્હીમાં વારંવાર બોમ્બની ધમકીઓ મળી રહી છે. ત્યારે ફરી એકવાર દિલ્હીમાં બોમ્બની ધમકી મળી છે. આ વખતે દિલ્હીની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પેસેન્જરોથી ભરેલી ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. ત્યારે આ ફ્લાઈટને રોકીને તપાસ શરુ કરવામાં આવી છે.
દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટના ટોઈલેટમાં ટિશ્યુ પેપર પર લખેલો બોમ્બ મળ્યો હતો, જેના પછી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ તેની તપાસ કરી અને આખરે બોમ્બ સંબંધિત માહિતીને અફવા ગણાવીને ફગાવી દીધી. પોલીસે આપેલી માહિતી મુજબ બુધવારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે વડોદરા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના ટોઈલેટમાંથી એક ટિશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર બોમ્બ શબ્દ લખાયેલો હતો.
બોમ્બની ધમકી અફવા સાબિત થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. અફવાને કારણે દિલ્હી એરપોર્ટ પર ફલાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. AI 819 ફલાઇટનું NSG, CISF અને સ્થાનિક પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે ચેકિંગમાં કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નહોતી. બોમ્બની માહિતીને લઈને ફ્લાઈટ ગઈ કાલે કેન્સલ કરાઈ હતી જે આજે વડોદરા આવશે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (IGI એરપોર્ટ) ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે પ્રમાણભૂત સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. તમને જણાવી દઈએ કે રવિવારે ઈમેલ દ્વારા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ દિલ્હીની ઘણી હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને પોલીસે તપાસ બાદ માત્ર અફવા ગણાવી હતી. અગાઉ 1 મેના રોજ, દિલ્હી-એનસીઆરમાં 150 થી વધુ શાળાઓને નકલી ધમકીભર્યા ઇમેઇલ્સ મળ્યા હતા, તે પણ અફવા હોવાનું બહાર આવ્યું હતું.