આજથી બે દિવસ અમદાવાદ કોંગ્રેસમય : 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે
ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશી થરૂર, અશોક ગેહલોત સહિતના નેતાઓ અમદાવાદ આવી ગયા છે અને રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વગેરે મંગળવારે સવારે આવી જશે.
બે દિવસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવી રહેલા 1800થી વધુ ડેલિગેટ્સના રહેવા માટે હોટલ અને આવવા-જવા માટે વાહનોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
આમ તો સોમવારથી જ કાર્યક્રમની શરૂઆત થઇ ગઈ હતી. સોમવારે સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ભવ્ય સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતની વિવિધતામાં એકતાની ઝાંખી જોવા મળી હતી.
મંગળવારે 8 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અને મંથન કરવામાં આવશે. આ દિવસે સાંજે 5 વાગ્યે કોંગ્રેસના તમામ મુખ્ય આગેવાનો અમદાવાદના ઐતિહાસિક ગાંધીઆશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લેશે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે.
અધિવેશનના મુખ્ય દિવસ એટલે કે 9 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના પ્રતિનિધિઓ ભાગ લેશે અને પાર્ટીની ભાવિ રણનીતિ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરશે.આ બંને બેઠકોની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે.
કોંગ્રેસ પોતાના દમ પર હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ જીતી શકતી નથી ત્યાં 2027ની વિધાનસભા ચૂંટણી જીતી સત્તા પર આવશે એ એવો આશાવાદ શું કોંગ્રેસ માટે સંજીવની સાબિત થશે? તેવી ચર્ચા પણ થઇ રહી છે.