રાજકોટના TRPકાંડ પછી હવે ડીસામાં લાપરવાહી અને બેદરકારી 21 નિર્દોષોને ભરખી ગઈ, પોલીસે NOC આપવાની ના પાડી હતી
રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ આવા જ બીજા એક બનાવમાં બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની એક ફેક્ટરીમાં બોઈલર ફાટ્યા બાદ વિસ્ફોટ સાથે આગ લાગ્યા બાદ ગોડાઉનનો સ્લેબ ધસી પડતા નીચે કામ કરી રહેલા પરપ્રાંતીય મજુરો મોતને ભેટ્યા હતા. અત્યાર સુધીમાં ૨૧ મજુરોના મોત થયા છે અને હજુ મૃત્યુઆંક વધવાની ભીતિ છે. આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે ફેક્ટરીનું ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોનાં શરીરના ભાગો દૂર-દૂર સુધી ફેંકાઈ ગયા હતા. આ ઘટના બાદ ફેક્ટરીનો માલિક દીપક ઠક્કર પલાયન થઈ ગયો છે અને તેને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી શરુ કરી દીધી છે. આ ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે અને મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે.
ડીસાના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી ફેલાઈ અને વિકરાળ બની ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે શ્રમિકોના અંગો આજુબાજુના વિસ્તારોમાં વિખરાઈ ગયા હતા . ફેક્ટરીનો કાટમાળ 200 મીટર સુધી ફેલાયો હતો, જેને દૂર કરવા માટે JCB મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ દરમિયાન ગોડાઉન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.
આ એટલો મોટો બ્લાસ્ટ હતો કે, RCCનું સ્ટ્રક્ચર તૂટ્યા બાદ કોઈને ભાગવાનો કે જીવ બચાવવાનો પણ સમય મળી શક્યો નહીં હોય. આથી મોટી સંખ્યામાં લોકો અંદર ફસાઈ ગયા હતા. આ સાથે, અંદરથી લોકોને કાઢવા પણ મુશ્કેલ બની ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, મૃત્યુ પામેલા તમામ શ્રમિકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું મનાય છે. આ શ્રમિકો તાજેતરમાં જ રોજગારીની શોધમાં અહીં આવ્યા હતા અને મજૂરીનું કામ કરતા હતા.
આ ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ગોડાઉનને માત્ર ફટાકડા સ્ટોર કરવાની મંજૂરી ન હતી. આ સ્થળે ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન થઈ રહ્યું હતું. આ બેદરકારીને કારણે નિર્દોષ શ્રમિકોના જીવ ગયા હોવાનું મનાય છે.
મુખ્યમંત્રીએ શું કહ્યુ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઈજાગ્રસ્તોને ઝડપથી યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવાની સૂચના તંત્રને આપી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય કરશે. ઈશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તોને સત્વરે સાજા કરે તેવી પ્રાર્થના કરું છું
રાજકોટની ઘટનાનો ધડો લીધો હોત તો આવું ન થાત : સાંસદ ગેનીબેન ઠાકોર
સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘નિર્દોષ લોકોને શાંતિ મળે એવી પ્રાર્થના કરુ છું. રાજકોટ પછીની આ બીજી ગોઝારી ઘટના બની છે. વહીવટી તંત્રની મોટી ચૂક છે. મંજૂરી આપતી વખતે શું ધ્યાન રાખ્યું એ પણ તપાસનો વિષય છે. નિર્દોષ લોકોના મોત થયા છે એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કમિટી બનાવવા માટે પણ હું રજૂઆત કરીશ. રાજ્ય સરકારે જો રાજકોટ બાદ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. હું અપેક્ષા રાખું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.’
પોલીસે NOC આપવાની ના પાડી હતી
બનાસકાંઠાના પોલીસ વડા વિજય પટેલે કહ્યું હતું કે, આ ફેક્ટરીના સંચાલકે તા. ૩૧/૧૨/૨૪નાં રોજ લાયસન્સ રીન્યુ કરવા માટે અરજી કરી હતી પરંતુ પોલીસે સ્થળ તપાસ કરીને નેગેટીવ અભિપ્રાય કલેકટરને આપ્યો હતો. આ પછી પોલીસે તાજેતરમાં તા. ૧૨/૩/૨૫ના રોજ સ્થળની વિડીયોગ્રાફી કરીને બતાવ્યું હતું કે, આ સ્થળે સલામતીની કોઈ વ્યવસ્થા નથી. આમ અરજદારને કોઈ પ્રકારની મંજુરી આપવામાં આવી ન હતી.
