ભારે વરસાદ બાદ હવે ગાત્રો ઘ્રુજાવતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજો : અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે સાથોસાથ ડીસેમ્બરના પહેલા અઠવાડિયામાં એટલે કે મોટાભાગે ૩ ડીસેમ્બરથી ઠંડીની શરૂઆત થશે તેમ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, ઠંડીની શરૂઆત થયા પછી ૨૨ ડિસેમ્બરથી તેની તીવ્રતા પણ વધશે.
તેમના મતે, આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં વહેલો શરૂ થવાની સંભાવના છે. અલ નીનોની અસરને કારણે ભારતની આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. આના પરિણામે, 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો પ્રકોપ શરૂ થવાની અપેક્ષા છે. 22 ડિસેમ્બરથી ઠંડીની તીવ્રતા વધુ વધવાની સંભાવના છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે આ વર્ષનો શિયાળો લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.
બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા અનુમાન મુજબ, ભારતમાં આ વર્ષે શિયાળો કાતિલ બની રહેવાનો છે. IMD એ સપ્ટેમ્બર 2024 માં લા નીના ઘટનાની શરૂઆત તરફ ધ્યાન દોર્યું છે, જેના કારણે સમગ્ર દેશમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો અને વરસાદમાં વધારો થવાની ધારણા છે. લા નીના, અલ નીનોનો ઠંડો સમકક્ષ, વિષુવવૃત્તીય પેસિફિકમાં દરિયાની સપાટીના નીચા તાપમાન દ્વારા વર્ગીકૃત થયેલ છે, જે ઠંડા અને સખત શિયાળો સહિત વ્યાપક આબોહવાની અસરો તરફ દોરી જાય છે.