રોડને ‘હાડપીંજર’ બનાવ્યા બાદ હવે RMC કહે છે, મંજૂરી લઈને નવો રસ્તો બનશે ! વિસ્તારવાસીઓએ કહ્યું, અમારા કોર્પોરેટર કોણ છે એ જ નથી ખબર

મહાપાલિકા દ્વારા લોકોને પૂરતા ફોર્સથી પીવાનું પાણી મળી રહે તે માટે આખા શહેરમાં ડીઆઈ પાઈપ લાઈન બીછાવવામાં આવી રહી છે. આ લાઈન પાથરવા માટે રસ્તાને ઉંડે સુધી ખોદવો પડતો હોય ખોદાણ બાદ વ્યવસ્થિત રીતે બૂરાણ થઈ રહ્યું ન હોવાને કારણે રસ્તાની હાલત `હાડપીંજર’ જેવી થઈ જવા પામી છે. આવી જ કંઈક સ્થિત વોર્ડ નં.11ના બાલાજી હોલ પાસેના વિસ્તારની અનેક સોસાયટીમાં નિર્માણ થયા બાદ વારંવાર રજૂઆત છતા કાર્યવાહી ન કરાતા આખરે 500થી વધુ લોકોએ એકઠા થઈ આ મુદ્દે વિરોધ કર્યો હતો. બીજી બાજુ મહાપાલિકા દ્વારા આ રસ્તો નવો બનાવવાનો છે પરંતુ તેના માટે મંજૂરી મળ્યા બાદ આગળ કાર્યવાહી થશે તેવું નક્કી કરાયું હોય અત્યારે તો લોકો રીતસરના પીડાઈ રહ્યા છે.

આ અંગે વિસ્તારવાસીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ રોષપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી હેરાનગતિ અનુભવી રહ્યા છે. ખાસ કરીને ચોમાસા બાદ અહીં એક-એક ફૂટના ખાડા પડી જવાને કારણે લોકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ અંગે મેયર, મ્યુનિસિપલ કમિશનર, ઈજનેર સહિતનાને અનેક રજૂઆત કરવા છતાં માત્રને માત્ર `થઈ જશે’ તેવો જવાબ આપી રહ્યો હોય આવનારા દિવસોમાં `વિસાવદરવાળી’ કરતા અમે ખચકાશું નહીં.
લોકોએ તો એમ પણ કહ્યું કે અમારા વોર્ડમાં ચાર કોર્પોરેટર છે પરંતુ તે કોણ છે તેનો હજુ સુધી અમને ખ્યાલ નથી અને ક્યારેય તેમના મોઢા પણ જોયા નથી ! ઉલ્લેખનીય છે કે આ વોર્ડના કોર્પેારેટર તરીકે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ઉપરાંત ભારતીબેન ફર્નાન્ડીઝ પાડલિયા, રણજીત સાગઠિયા અને વિનોદ સોરઠિયા ચૂંટાયેલા છે.
નવો રોડ બનાવવા મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રસિદ્ધ કરાશેઃ ઈજનેર
આ અંગે વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે બાલાજી હોલ આસપાસનો રોડ નવો બનાવવા માટેની પ્રક્રિયા મંજૂરી અર્થે અટકેલી છે. મંજૂરી મળી ગયા બાદ રસ્તો બનાવવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરાશે જે કાર્યવાહી પૂર્ણ થયે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાયા બાદ કામ શરૂ કરાશે. જો કે તે પહેલાં જરૂર જણાશે ત્યાં પેચવર્ક કરવામાં આવશે.
