19 વર્ષ બાદ RMCની લીગલ શાખામાં થયો આ મોટો ફેરફાર, અનેક તર્ક-વિતર્ક સર્જાયા
મહાપાલિકાની અલગ-અલગ શાખાઓમાં આમ તો સમયાંતરે ફેરફાર કરવામાં આવતાં હોય છે પરંતુ અમુક ફેરફાર એવા પણ થતાં હોય છે જેની ચારે બાજુ ચર્ચા થયા વગર રહેતી નથી. આવો જ એક ફેરફાર લીગલ શાખામાં કરવામાં આવ્યો છે. છેલ્લા 19 વર્ષથી લીગલ શાખામાં લો-ઓફિસર તરીકેની કામગીરી સંભાળતાં સંદીપ ગુપ્તા પાસેથી તેમનો ચાર્જ લઈ લેબર ઓફિસર આશિષ વોરાને સોંપવાનો મ્યુનિસિપલ કમિશનર દ્વારા હુકમ કરવામાં આવતાં તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાયેલા હુકમમાં જણાવ્યા પ્રમાણે મહાપાલિકા વિરુદ્ધના કોર્ટકેસમાં મહાપાલિકા પક્ષકાર હોય તેવા કેસમાં લેબર કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સ્વીકાર-અસ્વીકાર કરી અપીલ દાખલ કરવાની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની, કેસ અંગેની માહિતી લાગુ શાખાને રવાના કરવા, કેસ અંગેના પારાવાઈઝ રિમાર્કસ લગત શાખામાંથી મેળવી પેનલ એડવોકેટને મોકલવાની, એડવોકેટની નિમણૂક કરવા, કોર્ટ કેસનો ચુકાદો મહદઅંશે મહાપાલિકાની તરફેણમાં આવે તે અંગેના પૂરતા પ્રયત્નો કરવાની કામગીરી લીગલ શાખા દ્વારા કરવામાં આવે છે.
અત્યાર સુધી લો-ઓફિસર તરીકે સંદીપ ગુપ્તા આ તમામ કામગીરી સંભાળતાં હતા જેમની પાસેથી ચાર્જ લઈ લેબર ઓફિસર આશિષ વોરાને સુપ્રત કરી દેવામાં આવ્યો હતો. હવેથી સંદીપ ગુપ્તા કરતા તે તમામ કામગીરી આશિષ વોરા કરશે અને સંદીપ ગુપ્તાએ આશિષ વોરાની સુચના આધારે તમામ કામગીરી કરવાની રહેશે.
આ હુકમ બાદ મહાપાલિકાની લોબીમાં એવી ચર્ચાએ પણ જોર પકડી લીધું હતું કે મહાપાલિકાની તરફેણામાં અમુક ચુકાદા આવ્યા ન્હોતા તેની નોંધ લેવા ઉપરાંત રાજકીય નેતાઓ દ્વારા સુચવવામાં આવે તે પક્ષને ગુપ્તા દ્વારા ગણકારવામાં આવી રહ્યો ન્હોતો. જો કે આ બધી વાતો જો અને તો જેવી હોય હુકમ કરવા પાછળનું સત્તાવાર કારણ શું હશે તે અંગે કોઈ કશું કહેવા તૈયાર નથી.