રાજકોટમાં કાયમી DEO વગર વહીવટ ખાડે : શિક્ષણકાર્ય ઠપ્પ કરી દેવા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનું અલ્ટીમેટમ
હવે જો રાજકોટ જિલ્લાને કાયમી DEO નહિ મળે તો શિક્ષણકાર્યને અટકાવી દેવા માટે સંકલન સમિતિએ ઇન્ચાર્જ DEO અને કલેકટરને આવેદન પાઠવ્યું છે. સોમવારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની રાજકોટની બેઠક મળી હતી જેમાં હવે કાયમી ધોરણે જિલ્લા શિક્ષણ અધિકારી મળે તે માટે લડત ચલાવવા માટેની રણનીતિ ઘડવામાં આવી છે.

અગાઉ શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા શિક્ષણ વિભાગની રજૂઆત કરવામાં આવી હતી કે રાજકોટ શહેર અને જિલ્લામાં અલગ અલગ જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂક કરવામાં આવે જેના લીધે જિલ્લા ન શિક્ષણનો વહીવટ છે ખાડે ગયો છે તેનું સ્તર સુધરે. અગાઉ પણ આ બાબતે રજૂઆત કરી હતી ત્યારે શિક્ષાઅધિકારીની ફેરબદલ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂક થઈ નથી.

રાજકોટ શહેર અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનાં અધ્યક્ષ ડો.પ્રિયવદન કોરાટ,દિનેશ ભુવા, ડો.શૈલેષ સોજીત્રા,રસિકભાઈ ભંડેરી સહિત સભ્યોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની જગ્યા મહત્વની હોય છે જેની જગ્યાએ ઘણા સમયથી ઇન્ચાર્જ દ્વારા આ વહીવટ કરવામાં આવે છે, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે તેનું નિરાકરણ આવતું નથી. શહેર અને જિલ્લા બંનેમાં અલગ અલગ તબક્કે ડી.ઇ.ઓ.ની ભરતી કરવામાં આવે તેવા આવેદનપત્ર શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી સહિત સરકારી તંત્રને અગાઉ પણ આપવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી આ બાબતમાં કોઈ મહત્વપૂર્ણ કામગીરી કે નિર્ણય લેવાયો નથી.
આ પણ વાંચો : GST નંબર ‘કેન્સલ’ કર્યા,રિટર્ન ભરી દીધાં છે તો’ય,સૌરાષ્ટ્રમાં ઢગલાબંધ નોટિસો: વેપારીઓમાં આક્રોશ
ગઈકાલે સોમવારે ફરી એક વખત સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં સાંસદ રૂપાલા, શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ અને કલેકટર હાજર નહીં હોવાથી નિવાસી અધિક કલેકટર એ.કે. ગૌતમને આવેદન પાઠવી રજુઆત કરી હતી.જેમાં કહ્યું હતું કે,લાંબાગાળાથી ઇન્ચાર્જથી ડી.ઇ.ઓ.કચેરી ચાલે છે જેના લીધે વહીવટ ખાડે ગયો છે અને અનેક પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી.મંજુર થયેલ મહેકમ મુજબ શહેર અને ગ્રામ્યનાં અલગ અને કાયમી ડી.ઇ.ઓ.નિયુક્ત કરવાં માંગણી કરી છે.