રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે રાજકોટ રૂરલ LCB ટીમને અંકલેશ્વર નજીક ગોઝારો અકસ્માત નડ્યો હતો જેમાં તપાસ અર્થે જતા 4 જવાનોની કાર ટ્રકમાં ઘૂસી જતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ ૩ જવાનને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
મળતી વિગતો અનુસાર આ ઘટના અંકલેશ્વરના કોસંબા નજીકની છે જ્યાં રાજકોટ ગ્રામ્ય LCBની ટીમને અકસ્માત નડ્યો હતો. રાજકોટ રૂરલ એલસીબીની ટીમના ચાર જવાનો ખાનગી કાર લઇ તપાસના કામે સુરત ગયા હોઇ ત્યાંથી પરત આવી રહ્યા હતાં ત્યારે અંકલેશ્વર પાસે તેમની ક્રેટા કારને એક તોતીંગ ટ્રકે ઠોકરે ચડાવતાં કારનો બુકડો બોલી ગયો હતો અને ગંભીર રીતે ઘવાયેલા હેડ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ઈજાગ્રસ્ત અન્ય ત્રણ પોલીસ જવાન દિવ્યેશભાઈ, અરવિંદસિંહ અને ઘનશ્યામસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે રાજકોટ રૂરલ એલસીબી ટીમ અને પોલીસમાં શોકનું મોજુ છવાઈ ગયું છે. રાજકોટથી પણ મદદ માટે પોલીસ અધિકારીઓની ટીમ કોસંબા જવા માટે વહેલી સવારે રવાના થઇ હતી. બ્લેક કલરની ખાનગી કાર અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં કારનો આગળનો ભાગ બોનેટ સુધી સાવ બુકડો બોલી ગયો હતો.