ગણેશ ઉત્સવ આવી રહ્યો છે જેની તૈયારી ખૂબ ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં ગણેશજીને આવકારવાની તૈયારીઓ વચ્ચે એક દુખદ ઘટના સામે આવી છે જેમાં ગણેશનો પંડાલ બાંધી રહેલા 15 યુવાનોને કરંટ લાગ્યો હતો અને ૧ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના વડોદરાના પાદરા તાલુકાના ડબકા ગામની છે જ્યાં વેરાઈ માતાનાં મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાં પ્રકાશ ડાહ્યા ભાઈ ઉર્ફે સચિન નામના યુવકનું ઘટનાં સ્થળે મોત નિપજતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.
લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા 11 કેવીની હાઈટેન્શન લાઈનને અડી જતા બિમમાં કરંટ ઉતર્યો હતો. જેના કારણે 15 લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. પંદર પૈકી એક યુવકને તેની ભારે અસર થઇ હતી. પ્રકાશ ડાહ્યાભાઈ જાદવ ઉર્ફે સચિન જાદવનું સારવાર પહેલા જ ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 14 યુવાનો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઉત્સવ પહેલા જ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો.