સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર અકસ્માત : બાઇક સવારના મૃત્યુના પગલે ગ્રામજનો મૃતદેહ લઈને રસ્તા પર ઉતર્યા
રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. હાઇવે પર બેફામ ગતિથી ચાલતા ટ્રક-ડમ્પરને કારણે અકસ્માત થતા અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર પૂરપાટ ચાલતા ડમ્પરે બાઇકને અડફેટે લેતા યુવાન ચાલકનું મોત નીપજ્યુ છે. ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે કોળી સમાજના આગેવાનો અને પોલીસ ની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર ગત રાત્રીના નવેક વાગ્યાના સુમારે સુત્રાપાડા કોડીનાર રોડ ઉપર અંબુજા કંપનીના ટ્રકની પાછળ એક બાઇક ધડાકાભેર અથડાયું હતું અને બાઈક સવારનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
ટ્રક ચાલકની બેદરકારીના કારણે યુવકનું મૃત્યુ થયું હોય ગ્રામજનો દ્વારા આજે સવારે રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવતા રોડની બંને સાઈડ 50થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા હતા.
કોડીનાર સુત્રાપાડા રોડ પર અકસ્માત મામલે મૃતકના પરિજનો અને ગ્રામજનો રોષે ભરાયા હતા. કોડીનાર શહેરના યુવાનો હાઇવે પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો છે. આ યુવાનોએ મૃતકનો મૃતદેહ કલાકોથી રસ્તા પર મુકી દીધો છે. છેલ્લા ત્રણ દિવસમાં ટ્રકને કારણે બે યુવાનોના મોત થયા છે. ગ્રામજનો દ્વારા બેફામ ગતિથી ચાલતા ટ્રક-ડમ્પરના પૈડાઓ થંભાવી દેવામાં આવ્યા છે. રોષે ભરાયેલા યુવાનો મૃતદેહ લઈ રસ્તા પર ઉતર્યા હતા. ત્યારે કોળી સમાજના આગેવાનો અને પોલીસ ની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને યોગ્ય વળતરની ખાતરી મળતા આંદોલન સમેટાયું હતું.