અંબાજી નજીક માઈભક્તોને નડ્યો અકસ્માત : મુસાફરોથી ભરેલી લક્ઝરી પલટી જતાં 4ના મોત, 25થી વધુ ઘાયલ
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અંબાજી પાસે સામે આવી છે જેમાં ખાનગી બસ પલટી જતાં 4 યાત્રિકોના મોત નિપજ્યાં છે જ્યારે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે બનાવની જાણ થતાં લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટ્યા હતા અને પોલીસના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર આ ઘટના યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. ત્રિશુળિયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે મા અંબાના દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી બસ પલટી ખાઈ જતાં 4 લોકોનાં મોત અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 15 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે. બનાવની જાણ થતાં ત્યાંથી પસાર થતાં રાહદારીઓએ 108 અને પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
અકસ્માતમાં 7 લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. બસ ડ્રાઇવરે પૂરપાટ ઝડપે વળાંક પર ટર્ન મારતો હતો. આ દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની સાઇડમાં બનાવેલી લક્સરી બસ પ્રોટેક્શન વોલને ટકરાઇ હતી. જોકે જેના લીધે સદનસીબે બસ ખીણમાં ખાબકતાં બચી ગઇ હતી. જો બસ ખીણમાં ખાબકી હોત તો આ મૃત્યુઆંક વધી પહોંચ્યો હતો.