જામનગર રોડ ઉપર CLF ક્વાર્ટરમાં યુવાનનું મિત્રએ જ ઢીમ ઢાળી દીધું! 15 કલાકની અંદર રાજકોટમાં ચોથી હત્યાથી સનસનાટી,વાંચો સમગ્ર ઘટના
રાજકોટ માટે આ વર્ષની દિવાળી જાણે કે અત્યંત `ભારે’ હોય તે રીતે આંબેડકરનગરમાં રવિવારની રાત્રે વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતે ત્રણ-ત્રણ યુવકની હત્યાના બનાવને હજુ 14થી 15 કલાક જેટલો જ સમય પસાર થયો હતો ત્યાં જામનગર રોડ ઉપર આવેલા સીએલએફ ક્વાર્ટરમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં કલાકોની અંદર ચોથી હત્યા થવા પામી હતી.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ગાંધીગ્રામમાં રહેતો કમલ બિપીનભાઈ મુળિયા કે જે જામનગર રોડ ઉપર રેન્જ આઈજીની કચેરી સામે આવેલા સીએલએફ ક્વાર્ટર કે જે હાલ ખખડધજ હાલતમાં હોય મૃતક કમલ અને તેના મિત્રો અમિત તેમજ તેની સાથે રહેલો અન્ય એક મિત્ર વારંવાર મહેફિલ માણવા માટે અહીં જતા હતા. દરમિયાન થોડા સમય અગાઉ કમલ અને અમિત વચ્ચે માથાકૂટ થઈ હોય એકબીજા સાથે બોલચાલ બંધ હતી.
આ બધાની વચ્ચે આરોપી અમિત અને તેનો મિત્ર સીએલએફ ક્વાર્ટર બહાર ગાળ લખવા માટે આવ્યા હોય તેની જાણ કમલને થઈ જતા તે પણ ત્યાં દોડી ગયો હતો અને આ પ્રકારે ગાળ ન લખવા માટે અમિત અને તેની સાથે રહેલા શખસને સમજાવ્યો હતો. જો કે વાત વણસી જતાં મારામારી શરૂ થઈ ગઈ હતી અને અમિત અને સાથે રહેલા શખસે તિક્ષ્ણ હથિયારના ઘા મારી દેતા કમલ ત્યાં જ ઢળી પડ્યો હતો અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોતને ભેટ્યો હતો.

બીજી બાજુ દિવાળીનું પર્વ હોવાથી લોકો તેની ઉજવણીમાં વ્યસ્ત હતા પરંતુ જેવી હત્યાની જાણ થઈ કે આસપાસ રહેતી મહિલાઓ સહિતના દોડી ગયા હતા અને પોલીસની હાજરીમાં જ ગાળોનો વરસાદ વરસાવતા માહોલ ગરમાઈ ગયો હતો. આ જ વેળાએ મૃતક કમલનો ભાઈ પણ ત્યાં દોડી આવ્યો હતો જેના જણાવ્યા પ્રમાણે તે ગતરાત્રે ત્રણ વાગ્યે કમલને મળ્યો હતો અને ત્યાંથી રિક્ષા કરીને ગાંધીગ્રામમાં પોતાના ઘેર ચાલ્યો ગયો હતો. હત્યાનો બનાવ બનતા જ ડીસીપી ક્રાઈમ સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ ગાંધીગ્રામમાં જ રહેતા અમિત સહિતના આરોપીઓને શોધવા દોડધામ શરૂ કરી હતી.
રાજકોટ શહેરમાં દિવાળી પર્વે લોહિયાળ ઘટના
રાજકોટ શહેરમાં દિવાળી પર્વે લોહિયાળ ઘટના ઘટી છે. દિવાળીની પૂર્વ રાત્રીએ ગોંડલ રોડના આંબેડકરનગર વિસ્તારમાં કાર સાથે બાઇક અથડાવાના મામલે પાડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીમાં સામસામા છરીના ઘા ઝીંકતા સગ્ગા બે ભાઇ સહિત ત્રણ વ્યક્તિની હત્યા નિપજી છે. પાડોશી કાર ચાલક અને પુત્ર સાથે ઝગડો ચાલતો હોય પિતા તથા મોટાબાપુ વચ્ચે પડતા બંનેએ રાત્રે જ જીવ ગુમાવ્યા હતા. જ્યારે સામા પક્ષે કાર ચાલક યુવકને છરીનો એક જ ઘા જીવલેણ નીવડતા ટુંકી સારવાર બાદ વ્હેલી સવારે તેનું પણ મૃત્યુ થતાં ત્રેવડી હત્યા થઇ હતી. જ્યારે કાર ચાલક યુવકનો ભાઇ પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. મહિલા સહિત અન્ય બેને પણ છરીથી ઇજા થતાં સિવિલમાં ખસેડાઇ હતી.

ત્રિપલ મર્ડરને લઇને આંબેડકરનગર તેમજ સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતાં. બંને સ્થળે કોઇ અન્ય ઘટના ન બને તે માટે પોલીસ જાપ્તો ગોઠવી દેવાયો છે. હત્યાના આરોપી ન પકડાય ત્યાં સુધી બંને ભાઇની લાશ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કરતા પોલીસમાં દોડધામ થઇ પડી છે.

મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતાં પોલીસમાં દોડધામ થઇ પડી
બીજી તરફ સગ્ગા બે ભાઇઓ સુરેશ અને વિજયે જીવ ગુમાવતા તેમના પરિવારે જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતાં પોલીસમાં દોડધામ થઇ પડી છે. બંને પક્ષે દશથી વધુ શખસો સામે માલવીયાનગર પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. કેટલાક આરોપીને પોલીસે સકંજામાં લઇ લીધા હોવાનું જાણવા મળે છે. બેવડી હત્યા બાદ રોષે ભરાયેલા લોકોએ હૂમલાખોર અરૂણ કે જેની પણ હત્યા થઇ તેની કારમાં તોડફોડ કરી હતી. ત્રણેય મૃતકો એક જ વિસ્તારના અને પાડોશીઓ તેમજ એક જ જ્ઞાતિના હોવાથી વિસ્તારમાં માહોલ ભારે ઉચાટ ભર્યો બન્યો છે.

મોડી રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં લોહીયાળ ઘટના
ગત મોડી રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં લોહીયાળ ઘટના ઘટી હતી. આંબેડકરનગર શેરી નં.11(ક)માં રહેતા બે સગ્ગા ભાઇઓ વિજય વશરામભાઇ પરમાર (ઉ.વ.43) તથા સુરેશ વશરામભાઇ પરમાર (ઉ.વ.45) તથા સામે પક્ષે નજીકમાં આંબેડકરનગર શેરી નં.5 માં રહેતા અરૂણ વિનોદભાઇ ઉર્ફે વીનુભાઇ બારોટ (ઉ.વ.21)નું છરીના ઘા લાગતાં મૃત્યુ થયું હતું. જ્યારે વિજયની પત્ની હંસાબેન અને પુત્ર સુરેશ (ઉ.વ.20)ને અરૂણે છરીના ઘા ઝીંકતા ઘવાયા હતાં. સામા પક્ષે અરૂણના ભાઇ રમણ (ઉ.વ.20)ને પણ છરીથી ઇજા થતાં ત્રણેય સારવારમાં સિવિલમાં એડમિટ કરાયા હતાં. જેમાં રમણની હાલત વધુ નાજુક હોવાનું જાણવા મળે છે.

ફરિયાદમાં દર્શાવાયેલી વિગતો મુજબ આંબેડકરનગર શેરી નં.11(ક)માં રહેતાં સુધીર વિજયભાઇ પરમાર રાત્રે તેના અન્ય મિત્રો નરેશ, નીલેષ મુછડીયા તથા હિતેષ ચાવડા સાથે ઘરની સામે ઉભા-ઉભા વાતો કરતો હતો. એ સમયે આંબેડકરનગરમાં શેરી નં.5માં રાવણ ચોક પાસે રામાપીર મંદિર નજીક રહેતો અરૂણ વીનુભાઇ બારોટ પ્રેસ લખેલી જીજે-02-સીએ-4798 નંબરની સિલ્વર કલરની એલારીમાં કાર લઇને બે વખત બાજુમાંથી જ ફુલ સ્પીડે નીકળ્યો હતો. ત્રીજી વખત પાછો અરૂણ કાર લઇને સાર નજીકથી કટ ટુ કટ નીકળ્યો હતો. અને કાર નજીકમાં પડેલા બાઇક સાથે અથડાવી હતી. ઘરે આવેલા મહેમાનના બાઇક સાથે કાર અથડાવી અરૂણ ત્યાં જ કાર લઇને ઉભો હતો. અકસ્માતને લઇને સુધીરે તેના પિતા વિજયભાઇ પરમારને ફોન કર્યો હતો. જે વાત અરૂણ સાંભળતો હતો. તરત જ કારમાંથી અરૂણ નીચે ઉતર્યો હતો અને તેની સાથે કારમાં અન્ય બે ઇસમ હતા તે પણ નીચે ઉતર્યા અને સુધીર સાથે અરૂણ ગાળાગાળી કરવા લાગ્યા હતાં.

લોહીયાળ ઘટનામાં ગંભીર હાલતમાં રહેલા બે સગ્ગા ભાઇઓની હત્યા
ઝગડો થતાં સુધીરના મોટાબાપુ સુરેશભાઇ અને પિતા વિજયભાઇ બંને ત્યાં પહોંચ્યા હતા. અરૂણને તહેવાર છે ઝગડો ન કરાય પરંતુ વાત વણસી હતી. થોડી જ વારમાં અરૂણનો સગ્ગો નાનો ભાઇ રમણ એક શખસ સાથે બે છરી અને બેટ લઇને ધસી આવ્યો હતો. સુરેશભાઇને અરૂણના મિત્રોએ પકડી રાખ્યા હતા. અને અરૂણે રમણ પાસે રહેલી છરીને લઇને સુરેશભાઇને ત્રણ ઘા ઝીંકી દીધા હતાં. છોડાવવા વચ્ચે પડેલા વિજયભાઇને પણ બે-ત્રણ ઘા ઝીંકી દીધા. વિજયની પત્ની હંસાબેન પણ દોડી આવતા તેને કપાળે છરી મારી દીધી. સુધીરને પણ છરીનો એ ઘા ઝીંકી દીધો હતો. સામા પક્ષે અરૂણને પણ વિજય પરમારે છરીના ઘા ઝીંકી દીધા હતાં. અરૂણના ભાઇને પણ સાથળના ભાગે એક ઘા ઝીંક્યો હતો.

લોહીયાળ ઘટનામાં ગંભીર હાલતમાં રહેલા બે સગ્ગા ભાઇઓ સુરેશ તથા વિજય, અરૂણ અને અન્ય ચારને સારવારમાં રાત્રે સિવિલમાં લઇ જવાયા હતાન. સુરેશ અને વિજયને ગંભીર ઇજા સાથે બનાવ સ્થળે જ વધુ રક્તસ્ત્રાવ થઇ ગયો હોવાથી બંનેનું મૃત્યુ નિપજ્યું હતું. રાત્રે બેવડી હત્યા થઇ હતી. જ્યારે અરૂણને વાસાના ભાગે વિજયે મારેલો છરીનો એક જ ઘા જીવલેણ નીવડ્યો હતો અને અરૂણે પણ વ્હેલી સવારે સાડા ત્રણ વાગ્યા બાદ જીવ ગુમાવતા એક જ રાતમાં ત્રિપલ મર્ડરમાં ઘટના પરિણમી હતી.

બંને પક્ષે સામસામા 10 થી વધુ શખસો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુના નોંધાયા
ત્રિપલ મર્ડરના બનાવ સંદર્ભે બંને પક્ષે સામસામા 10 થી વધુ શખસો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુના નોંધાયા હતા. જેમાં ઇજાગ્રસ્ત યુવક બી.બી.એ.માં અભ્યાસ કરતા સુધીરે પિતા વિજયભાઇ અને મોટાબાપુ સુરેશભાઇની હત્યા નિપજાવી માતા તથા પોતા પર છરી વડે હુમલો કર્યાના આરોપસર અરૂણ વીનુભાઇ બારોટ, અરૂણના ભાઇ રમણ, ત્રણ અજાણ્યા શખસો તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાવ્યો છે. સામાપક્ષે ઘવાયેલા રમણ વીનુભાઇ બારોટ (ઉ.વ.20)એ સુરેશ પરમાર, વિજય પરમાર, વિજયના પુત્ર સુધીર તેમજ બે અન્ય શખસોએ મળી પોતાના તથા ભાઇ અરૂણ પર છરીની હુમલો કરી ભાઇ અરૂણની હત્યા નિપજાવ્યાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાવતા પી.આઇ. આર.જે.દેસાઇ, પી.એસ.આઇ. મુળુભા ધાધલ સહિતનાએ બંને પક્ષે 10થી વધુ સામે ગુનો નોંધી કેટલાક ઇસમને સકંજામાં લઇ લીધા હતાં.

મોડી રાત્રે થયેલી લોહીયાળ ઘટનાને લઇને તુરત જ ડી.સી.પી. ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઇ, એ.સી.પી. ચૌધરી, એલસીબી ઝોન-2ની ટીમ, માલવીયાનગર પોલીસનો સ્ટાફ, ક્રાઇમ બ્રાંચ ટીમ સહિતનો કાફલો દોડી ગયો હતો. કોઇ અન્ય ઘટના ન ઘટે એ માટે બંનેના ઘર પાસે જ તેમજ વિસ્તારમાં પોલીસનો જાપ્તો ગોઠવી દેવાયો હતો. મૃતક વિજય બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલો હતો.
અરૂણે ઝનુનથી ચારેયને આઠથી વધુ ઘા ઝીંક્યા, સામે વિજયનો એક ઘા જ ભારે પડ્યો
બંને પરિવાર વચ્ચે સામસામા છરી સાથે ખેલાયેલા ખુની ખેલમાં અરૂણ બારોટ સામે બંને ભાઇઓ સુરેશ પરમારને પેટ, છાતીના તથા હાથના ભાગે તેમજ વિજયને પેટમાં, પડખામાં તથા છાતીના ભાગે ઝનુનથી ઘા ઝીંકી દેતા બંનેના મૃત્યુ થયા હતાં. તેમજ વચ્ચે પડેલી વિજયની પત્ની હંસાબેનને કપાળમાં અને પુત્ર સુધીર (ફરીયાદી)ને કમરમાં ડાબા ભાગે છરીનો ઘા માર્યો હતો. સામા પક્ષે વિજયે પણ અરૂણના વાસામાં અતિ ઝનુની બનીને વાસાના ભાગે એક જ ઘા ઝીંક્યો હતો. અને અરૂણનું મોત થયું હતું. જ્યારે રમણના સાથળના ભાગે એક ઘા કોઇએ ઝીંક્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસે પણ આક્રમક હતો
સામસામે અથડામણમાં જગદીશ પરમારે અરૂણના પીઠના ભાગે છરીનો એક જ ઘા એટલો ઉંડો ઝીંક્યો હતો કે છરી પીઠમાંથી બહાર નીકળી ન હતી. હાથા સાથે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લવાયો હતો. છેલ્લા શ્વાસે પણ અરૂણે હોસ્પિટલમાં કહ્યું કે, પિતા ક્યાં છે, બીછાને પણ આક્રમક બનેલો અને ગાળાગાળી કરતો હતો તેવું હોસ્પિટલના વર્તુળોનું કહેવું હતું.
ભાઇની પીઠમાં ખૂંપેલી છરી અને લોહી જોઇને બેશુધ્ધ બનીને ઢળી પડ્યો
ત્રેવડી હત્યાની ઘટના અને ઘવાયેલા વ્યક્તિઓમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર ગ્રસ્ત રમણ વિનોદભાઇ બારોટ (ઉ.વ.20)ની ફરિયાદ માલવીયાનગર પોલીસે નોંધી હતી. જેમાં રમણને ગત રાત્રે તે ઘરે હતો ત્યારે તેના ફુવાના ભાઇનો ફોન આવ્યો હતો કે યશ મકવાણા જે શેરીમાં રહે છે ત્યાં આવ તારા ભાઇ અરૂણને માથાકુટ થઇ છે. જેથી ત્યાં ફોન કરનારના મિત્ર સાથે ગયો હતો. ત્યાં પહોંચતા સુરેશ અને વિજય તથા સુધીર ત્રણેય અરૂણને મારતા હતા. અન્ય એક-બે ઇસમ પણ હતા. જેમાંથી કોઇએ રમણને ડાબા પડખાના ભાગે છરી જેવો ઘા મારી દીધો હતો. જેથી રમણ નીચે પડી જતાં કાંડા તથા ખંભાના ભાગે છરી ઝીંકી દીધી હતી. વિજયે ભાઇ અરૂણના વાસાના ભાગે જોરથી છરીનો ઘા ઝીંકી દીતા અરૂણની પીઠમાં જ છરી રહી ગઇ હતી અને પુષ્કળ લોહી વહેતુ જોઇને રમણ ત્યાં જ બેશુધ્ધ બનીને ઢળી પડ્યો હતો.
