સાયલાના ઇશ્વરીયા ગામે ફિલ્મી સ્ટાઇલમાં યુવકની હત્યા : કારને આંતરી ઘાતક હથિયારો વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ઈશ્વરીયા ગામે ફિલ્મી સ્ટાઇલમાં યુવકની હત્યા થઈ છે. ડમ્પર અને બોલેરો લઈને આવેલા આરોપીઓએ કારમાં સવાર ૪૨ વર્ષીય યુવકને આંતરી ઘાતક હથિયારો વડે હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી પ્રાથમિક તપાસ કરતા હત્યા પાછળ જુનુ મનદુખ કારણભુત હોવાનું સામે આવ્યુ છે.

બનવા અંગે ઈશ્વરીયા ગામે રહેતા અરજણભાઈ માલાભાઈ ધાંધળ (ઉં.વ.35) નામના યુવકે આરોપી તરીકે વિજય કલાભાઈ રૂદાતલા, તેના કાકા કાળુ બચુભાઈ રૂદાતલા, જાદવ ખોડાભાઈ ઉગરેજીયા, ગોવિદ કલાભાઈ રૂદાતલા, ગોપાલ ગેલાભાઈ રૂદાતલા, કેશુ સામતભાઈ રૂદાતલા સહિત છ અજાણ્યા શખસોના નામ આપતા જણાવ્યું હતું કે, તે કાકાના દીકરા રણછોડભાઈ ઉર્ફ રસિકભાઈ અમરાભાઈ ધાંધળ (ઉ.વ.42) સાથે આયા ગામ નજીક ચાલતી તેમની પેટ્રોલપંપ સાઇટ ઉપરથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન મરડીયા બંધ કારખાના રોડ પર પહોંચતા અચાનક સાઇડમાંથી એક ડમ્પર આવેલ અને યુવકની કાર સાથે અથડાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં સરપંચની 2 અને સભ્યોની 221 બેઠકો ઉપર ચૂંટણી નહીં યોજાય : જાણો શું છે કારણ
તેવામાં જ પાછળથી આવેલી સફેદ કલરની બોલેરો દ્વારા યુવકની કારને ટક્કર મારતા તે ઉભી રહી ગઈ હતી. બોલરોમાંથી આરોપી વિજય રૂદાતલા દાંતાવાળુ બેલા કાપવાનું લોખંડનું ચક્કર, જાદવ ધારા ડુંગળીવાળો ધારીયુ લઈ, અને વિજયના કાકા કાળુ છરી લઈને, ગોવિદ પાઇપ સાથે અને ગોપાલ કુંડલીવાળી લાકડી તથા કેશુ પણ લાકડી સાથે ઘસી આવ્યા હતાં.
જે બાદ આરોપીઓ સાથે મળી રણછોડભાઈને કારમાંથી બળજબરીથી ખેંચી બહાર કાઢી માર મારવાનું ચાલુ કરતા અરજણ ત્યાંથી ભાગી જઈ એક ખેતરમાં છુપાઈ ગયો હતો. બેફામ માર મારી આરોપીઓ ત્યાંથી નાશી છૂટ્યા હતા. અરજણે ૧૦૮ને તેમના પરિચિતોને ઘટના અંગે જાણ કરી હતી. ઈજાગ્રસ્ત રણછોડભાઈને હોસ્પિટલે ખસેડતાં હાજર પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વર્ષ ૨૦૨૩માં આરોપી વિજયના પિતા સાથે રણછોડભાઈના પરિવારનો ઝઘડો થયો હોય જે વાતનું મનદુખ રાખી આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
