રાજકોટમાં 22મીએ સહકારીતા સંમેલન સામાન્ય સભા સાથે શક્તિ પ્રદર્શન? ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ
રાજકોટ શહેર પ્રથમ નોરતે રાષ્ટ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારા સહકારીતા સંમેલન (રાજકોટ જિલ્લા સહકારી સંગઠનોની સામાન્ય સભા)માં એકાદ લાખ જેટલા લોકોને એકત્રિત કરવાનો ટાર્ગેટ હોવાનું અને જેને લઈને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, મંડળીના અગ્રણીઓની બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે બુધવારે બેડી માર્કેટિંગ યાર્ડમાં સહકારી મંડળીઓના માંધાતાઓ, જિલ્લા રાજકીય માથાઓની મીટિંગ મળી હતી જેમાં સૌને સંખ્યાના ટાર્ગેટ અપાયા હોવાનું જાણવા મળે છે. સામાન્ય સભા સાથે શક્તિ પ્રદર્શન કે દિશાસૂચક કાર્યક્રમ હોવાની પણ સહકારી ક્ષેત્રમાં ચર્ચા છે.
રાજકોટ જિલ્લા સહકારી બેન્કથી લઈ ડેરી જિલ્લાની સહકારી ક્ષેત્રની સંસ્થાઓની સામાન્ય સભા જામકંડોરણામાં યોજાતી રહે છે. આ વખતની એજીએમ (એન્યુઅલ જનરલ મીટિંગ સામાન્ય સભા) રાજકોટમાં સોમવારે યોજાશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓ. બેન્કના પૂર્વ ચેરમેન અને સૌરાષ્ટ્રના એક સમયના મજબૂત ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પણ થશે. આ વખતની એજીએમ ખાસ એટલા માટે બની રહેશે કે રાષ્ટ્રના સહકારીતા તથા ગૃહમંત્રી અમિત શાહની ખાસ ઉપસ્થિતિ રહેશે. થોડા દિવસ પૂર્વે જ સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના અડીખમ આગેવાન એવા પૂર્વ મંત્રી, ધારાસભ્ય જયેશ રાદડિયાએ દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : રાજકોટની માલવિયા કોલેજ પાસે પાણીની લાઈન ધડાકાભેર ફાટી : 3 વોર્ડમાં ધાંધિયા
તા.22ને પ્રથમ નોરતે સોમવારના રોજ અમિત શાહ રાજકોટ સ્થિત સહકારી ક્ષેત્રના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. રેસકોર્સ ખાતે રાજકોટ જિલ્લા બેન્ક, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી) તેમજ અન્ય જિલ્લા સહકારી સંઘ, સંસ્થાઓની સહકારી ક્ષેત્રની સભા મળશે. સભામાં અંદાજે એકાદ લાખથી વધુની જનમેદની એકત્રિત કરવા માટે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રમાં ખેડૂત મંડળીઓના પ્રમુખો, અગ્રણીઓ, જિલ્લાના રાજકીય આગેવાનોની બેઠક મળી હતી. વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપે જયેશ રાદડિયાને જવાબદારી સોંપી હતી અને આપે આ બેઠક આંચકી લેતા એક સીટ જતાં સત્તામાં કોઈ ફર્ક નથી પડ્યો પરંતુ હાઈકમાન્ડ સુધી આ પરિણામ આંચકારૂપ એટલા માટે બન્યું હશે કે આપના લડાયક ગોપાલ ઈટાલિયાએ ધારાસભાની વાટ પકડી છે અને આ અસર આગામી ચૂંટણીઓને ન પડે તે માટે કદાચ અત્યારથી ડેમેજ ક્નટ્રોલની ભૂમિકા આરંભાઈ હોઈ શકે. એ માટે અત્યારે કદાચ ભાજપ માટે સૌરાષ્ટ્રમાં પાટીદારમાં મજબૂત યુવા ચહેરો જયેશ રાદડિયા છે. આવી જ રીતે સહકારી ક્ષેત્રમાં પણ રાદડિયાની પક્કડ છે. જે તાજેતરમાં ઈફ્કોની ચૂંટણી વખતે પણ રાદડિયાએ સામાપૂરે પણ ધાર્યું કરી લીધું હતું.
આ પણ વાંચો : રાજકોટની હોટલોમાં શૈયા સુખના સોદા? બંધ બારણે માંગો તે મળે કે પીરસવામાં આવતું હોવાની ચર્ચા
રાદડિયા માટે પણ સામાન્ય સભા એટલા માટે શક્તિપ્રદર્શન માની શકાય કે વિસાવદરના પરિણામ અને ઈફ્કો બન્ને બાબતો હળવી પડી જાય કે ઢંકાઈ જાય તે માટે સોમવારે વિશાળ જનમેદનીમાં સહકારીતા મંત્રીની હાજરીમાં સભા યોજાય જાય એટલે રાદડિયા પોતે સૌરાષ્ટ્રમાં મજબૂત પાટીદાર તથા સહકારી ક્ષેત્રના આગેવાન છે તેવું પણ એક ચિત્ર બની શકે. આવા સંયોગો સાથે સોમવારે સામાન્ય સભા, સહકારીતા સંમેલન મળનાર હોવાનું રાજકીય તથા સહકારી ક્ષેત્રના જાણકારોનું માનવું છે તેવી ઉપરોક્ત જો અને તો જેવી ચર્ચાઓ વહી રહી છે. એકએવી વાત પણ છે કે સહકારી ક્ષેત્રની સભા એક કાંકરે ઘણા પક્ષીને નિશાનરૂપ જેવી બની રહે તો ના નહીં. કારણ કે રાદડિયા અગાઉ કોઈ ચોક્કસ વ્યક્તિ, ચોટદાર સંસ્થાનું નામ લીધા વિના પોતાના ભાષણમાં એ સંસ્થા અને તેમના સર્વેસર્વાને શાબ્દિક ચાબખા લગાવી ચૂક્યા છે. હાલ તો સહકારી ક્ષેત્ર માટેનો કાર્યક્રમ છે એવું જ માનવું પડે.
