રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો
વારંવાર વિવાદોમાં ઘેરાતી રહેતી રાજકોટ સિવિલ હોસ્પિટલનો વધુ એક બેદકારીનો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે મેટોડા નજીક બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં 24 વર્ષીય યુવકને અહીં દાખલ કરવામાં આવ્યો હોય જેનું સારવારમાં મોત નીપજ્યું હતું.
પરિવારે સિવિલ તંત્ર સામે કર્યા ગંભીર આક્ષેપો
પરિવારે સિવિલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે, દાખલ થયા ના એક કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં ડોક્ટરે ત્વરિત સારવારને બદલે જુદા જુદા રિપોર્ટ કરાવ્યા પણ સારવાર ચાલુ ન કરી અને આખરે કલાકો બાદ તેમના સ્વજને દમ તોડી દીધો હતો.એક કલાક સુધી કણસેલા યુવકને સમયસર સારવાર મળી હતો તો કદાચ જીવ બચી જાત તેવો પણ વલોપાત વ્યકત કરાયો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર-કચ્છના હજારો દર્દી સારવાર માટે આવતાં હોય છે. સારવારમાં આવતા દર્દીના સ્વજનોને ભગવાન બાદ જો કોઈના પર ભરોસો હોય તો ડોક્ટર પર પણ જયારે પોતાની સામે દર્દથી પીડાતાં સ્વજનની સારવાર ન થાય ત્યારે પરિવારનો આક્રોશ સામે આવે છે અને ડોક્ટર મુકેલા ભરોસો તૂટી જાય છે.
આ પણ વાંચો : રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
ભૂંડ આડું ઉતારતાં બાઈક સ્લીપ થયું
મેટોડા GIDCમાં આવેલી આશુતોષ સોસાયટીમાં રહેતો 24 વર્ષીય નિકુંજ નાથાભાઈ પરમાર નામનો યુવક શનિવારે બાઈક લઈને જઈ રહ્યો હોય ત્યારે સાંજના 5 વાગ્યા આસપાસ દેવગામના પાટિયા પાસે ભૂંડ આડું ઉતારતાં બાઈક સ્લીપ થયું હતું. આ અકસમાતમાં નિકુંજને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચી હોય જેથી રાહદારી દ્વારા તુરંત 108નો સંપર્ક કરી યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
દર્દી કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી
બનાવ અંગે જાણ થતાં જ યુવકના પરિવારજનો પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા જે બાદ ચાલુ સારવારમાં જ યુવકે મોડી રાત્રે દમ તોડી દીધો હતો. મૃતકના નાના ભાઈ રવિ પરમારે ‘વોઈસ ઓફ ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મોટાભાઈ નિકુંજનું અકસ્માત થયું હોવાની જાણ થતાં તેઓ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યાં હતા.
ઈમરજન્સી વિભાગમાં સારવાર દરમિયાન ડોકટર કંઈ જવાબ આપતાં ન હતાં એક કલાક સુધી રિપોર્ટ કરવા માટે અલગ-અલગ વિભાગોમાં દોડતાં રહ્યાં ત્યારે નિકુંજ ‘“મારે અહીં નથી રેહવું” તેમ બોલતો હતો. સીટીસ્કેન કર્યા બાદ તે બેભાન થઈ ગયો હતો. રાત્રીના 3 વાગ્યા સુધી ફક્ત બાટલા ચડતાં રહ્યાં અને આખરે મારા ભાઈએ દમ તોડી દીધો. વધુમાં મૃતક નિકુંજના 4 વર્ષ પેહલા જ લગ્ન થયા હતા અને તે સબમર્સી બલની મોટર બાંધવાનું કામ કરતો હતો ત્યારે મૃતકના ભાઈએ કરેલા આક્ષેપો સામે તપાસ થશે કે નહિ તે જોવાનું રહ્યું. ફક્ત તપાસ જ નહિ પણ પરંતુ ગંભીર બનાવમાં લોકોની જિંદગી બચાવવા માટે કહેવાતા “ગોલ્ડન કલાક”માં સારવાર મળી રહે તે માટેનું પણ આયોજન કરવાની જરૂર જણાઈ આવે છે.
