રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં નવ માસનું બાળક રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડ્યા બાદ પાણીમાં ગરકાવ થતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. પરિવાર કામમાં વ્યસ્ત હતો અને બાળક પરથી નજર દૂર થતાં જ દુર્ઘટના ઘટી હતી. હાલ બનાવથી નેપાળી પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
પરિવાર કામમાં વ્યસ્ત હતો ત્યારે બાળક રમતા-રમતા ટાંકામાં ગરક થતાં પરિવારમાં અરેરાટી
પ્રાપ્ત વિગત મુજબ, કુવાડવા રોડ પર મારૂતિનગર મેઈન રોડ પર આવેલ શાલિગ્રામ શિલ્પ એપાર્ટમેન્ટમાં નીચે આવેલ ઓરડીમાં રહી ચોકીદારી કામ કરતાં કમલભાઈ બુઢાનો નવ માસનો પુત્ર સંદિપ ઘર પાસે રમતો હતો ત્યારે ત્યાં નજીકમાં જ આવેલ પાણીની ટાંકીમાં પડ્યો હતો. માસૂમ બાળક પાણીમાં ગરક થતાં બેભાન થઈ ગયો હતો. જ્યારે બીજી બાજુ માતા-પિતાને આ ઘટનાની જાણ ન રહી હતી. અને તેઓ તેના કામમાં વ્યસ્ત હતા. બાળકનો અવાજ ન આવતા તેમણે બાળકની શોધખોળ કરી હતી અને પાણીની ટાંકીમાં તપાસતા બાળક તેમાં બેભાન મળી આવતાં તેને સારવાર માટે જનાના હોસ્પિટલે ખસેડયો હતો.
જ્યાં ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ બકુત્રા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે,મૃતક બાળકનો પરીવાર મૂળ નેપાળનો વતની છે. અને દોઢ-બે વર્ષથી અહી રહી ચોકીદારીનું કામ કાજ કરતાં હતા. હાલ બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.