રાજકોટ માટે ગૌરવની વાત : સ્વીટ્સ અને આઈસ્ક્રીમ માટેનાં ડિસ્પ્લે ફૂડ કાઉન્ટર બને છે રાજકોટમાં, વિદેશમાં મોટી માંગ
હોટેલ તાજ, હયાત, મેરિયોટ જેવી લક્ઝરી હોટેલમાં ડાઇનિંગ એરિયા કે લોન્જમાં ડિસ્પ્લે ફૂડ કાઉન્ટરમાં રહેલી મીઠાઈ, નમકીન, બેકરી આઈટમ, આઈસ્ક્રીમને સર્વ કરતા આપણે જોયું જ હશે. વૈભવી હોટેલમાં આ વાનગીને ફ્રેશ રાખતા આકર્ષક ડિસ્પ્લે શોકેશ વિદેશી નહીં ‘મેઇડ ઈન ઇન્ડિયા’ પણ હોઈ શકે તે જાણીને આપણને ચોક્કસ ગૌરવ થવું જોઈએ.

હોટેલ ઉદ્યોગમાં ડિસ્પ્લે કાઉન્ટર અને કોમર્શિયલ કિચન ઇકવીપમેન્ટ્સ માટે ફૂડ સેફ્ટી અને હેલ્થને લઈને ચોક્કસ ક્વોલિટી જળવાઈ તે જરૂરી છે. વિદેશી પ્રોડક્ટ માટે તેના ખાસ નિયમો હોય છે. મોટા ભાગે ફૂડ અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં અમેરિકા, ઇટલી, જાપાન, હોંગકોંગ જેવા દેશની બ્રાન્ડની ડિમાન્ડ રહેલી છે, પરંતુ એ જ ગુણવત્તા સાથેની સંલગ્ન પ્રોડક્ટ્સ ત્રીજા ભાગની કિંમતે મળી રહે તો સ્વદેશી વસ્તુની માંગ ઉભી થઈ શકે છે, તેમ રાજકોટના ફૂડ ઇક્વિપમેન્ટ ઉદ્યોગના પાયોનિયર શૈલેષભાઇ પીપળીયા જણાવે છે.

રાજકોટના હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં રિધ્ધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સી.એમ.ડી. શશૈલેષભાઇ પીપળીયા જણાવે છે કે, રાજકોટના ઉદ્યોગકારોની ખાસિયત છે કે, તેઓ વિશ્વમાં કોઈપણ પ્રકારની પ્રોડક્ટ્સ એ જ ક્વોલિટીમાં ઓછા દરે તૈયાર કરી શકે છે. માત્ર દસ ધોરણ ભણેલા શૈલેષભાઇ તેમની સખત મહેનત, સાહસ અને કંઈક કરી દેખાડવાની ભાવના સાથે કોમર્શિયલ કિચન ઇક્વિપમેન્ટ અને રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટમાં આજે ભારતની પાયોનિયર બ્રાન્ડ સાથે વિશ્વના અનેક દેશોમાં ‘મેઇડ ઈન ઇન્ડિયા’નો ડંકો વગાડી રહ્યા છે.
આ પણ વાંચો :રાજકોટની બજારમાં દિવાળીની ચમક : ટેકસટાઇલ ટ્રેડમાં તેજી,તહેવારોમાં 4000 કરોડનો વેપાર, ખરીદીનો ધમધમાટ

વિદેશી પ્રોડક્ટની જેમ અમે સેફ્ટી અને હેલ્થના તમામ નિયમો પાળીએ છીએ. તેઓએ ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ડિસ્પ્લે પ્રોડક્ટમાં અમે રેફ્રિજરેશન યુનિટ અલગ ડ્રોઅર બોક્સ બનાવીએ છીએ. જેથી ચીજો હાઈજેનિક રહે છે તેમજ તેનું મેઇનટેનન્સ સરળતાથી કરી શકાય અને વીજ બચત પણ થાય છે. વિદેશી પ્રોડક્ટના ભાવ કરતા અમારી વસ્તુઓ લગભગ ત્રીજા ભાગની કિંમતે મળે છે તેનું ઉદાહરણ આપતા તેઓ કહે છે કે, ચાઈના, હોંગકોંગના વિલિયમ્સ કંપનીના જે ડિસ્પ્લે યુનિટ 6 લાખથી વધુ કિંમતમાં મળે છે તે આપણે માત્ર ૨ લાખમાં, જ્યારે ઇટલીના ૪ લાખની કિંમતના રેફ્રીઝરેશન આપણે 1.25 લાખમાં આપીયે છીએ.
આ પણ વાંચો :આજે શરદ પૂર્ણિમા : શું તમે જાણો છો શરદ પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રની ચાંદનીમાં ખીર ખાવાનો મહિમા શું છે?
રિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝના પ્રિયાબેન પીપળીયા જણાવે છે કે, પ્રોડક્ટની ડિઝાઇન અને ક્વોલિટી જોતા ભારતમાં અનેક રાજ્યો સહીત અમેરિકા, કેનેડા, દુબઇ, આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં તેની માંગ વધી રહી છે, માત્ર “વોકલ ફોર લોકલ” જ નહીં પરંતુ વિદેશમાં પણ આપણી પ્રોડક્ટ્સની ડિમાન્ડ ઉભી થઇ છે.
