બગાસુ ખાતા પતાસું મળ્યું ! રાજકોટની ટ્રાફિક શાખાએ બીયર ભરેલી કાર પકડી ‘ને જશ ખાટ્યો ક્રાઈમ બ્રાંચે! વાંચો શું છે સમગ્ર ઘટના
રાજકોટના માધાપર સર્કલથી મોરબી બાયપાસ રોડ પર બેડી ચોકડી તરફ જતા પુલ પાસે મેસૂર ભગતના ચોક નજીક આજે વહેલી સવારે વાહન ચેકિંગમાં રહેલી ટ્રાફિક પોલીસે બીયરના જથ્થા સાથે પકડી પાડેલી કારમાં ક્રાઈમ બ્રાંચને બગાસુ ખાતા પતાસું આવી ગયા માફક ચોક્કસ બાતમીના આધારે 576 બીયરના ટીમ સાથે કાર પકડી પાયાનું ઓનપેપર બતાવાયું છે.

બીયરના જથ્થા સાથે ઝડપાયેલી જીજે08 સીજી 5858 નંબનરની કાર સંદર્ભેની માહિતી મુજબ આજે (શુક્રવાર) સવારે ટ્રાફિક બ્રાંચ, વોર્ડનો મોરબી બાયપાસ રોડ મેસૂર ભગત ચોક પાસે વાહન ચેકિંગમાં હતા. એ દરમિયાન ઉપરોક્ત નંબરની કાર નીકળતા તેને અટકાવાઈ હતી. કારચાલક કાર ઊભી રાખીને પોબારા ભણી ગયો હતો. ચાલક નાસી છૂટતાં જ પોલીસે શંકા પડી હતી. કાર ચેક કરતાં આગળના ભાગે તેમજ પાછળના ભાગે બીયરના જથ્થાની પેટીઓ પડી હતી. ચેકિંગમાં રહેલા સ્ટાફે તેમના લાગતા વળગતા ક્રાઇમ બ્રાંચના સ્ટાફને જાણ કરી હતી અને તે ટીમ દોડી આવી હતી.

કાર ક્રાઈમ બ્રાંચમાં લઇ જવાઇ હતી. જેમાંથી અલગ અલગ બ્રાન્ડની બીયરની બોટલો, ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી 1,22,400ની કિંમતના 576 બીયર ટીન, બોટલ સાથે ત્રણ લાખની કાર કબજે કરી હતી. ઉપરોક્ત વાત હતી વાહન ચેકિંગમાં કાર પકડાઈ તેની. જ્યારે ઓનપેપર બીયર સાથેની કાર અલગ રીતે બતાવાઈ છે.
ફરિયાદની હકીકત મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમ આજે પીએસઆઈ એસ.વી. ચુડાસમાની સૂચનાથી ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ટીમના અરવિંદકુમાર ફતેપરા, સંજયભાઈ અલગોતરને ખાનગી રાહે બાતમી મળી હતી કે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ કારમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે નીકળવાની છે. જેથી વોચ ગોઠવી હતી અને કારચાલક મેસૂર ચોક પાસે કાર રેઢી મૂકીને અન્ય વાહનમાં ભાગી ગયો.
આ પણ વાંચો : RMCના ઈતિહાસમાં પહેલીવાર 3 ઝોનલ TPOની કરાશે નિમણૂક : 3 નામ ઉપર મંજૂરીની મ્હોર લગાવતી સિલેક્શન કમિટીઃ
કારની તલાશી લેતાં અંદરથી ખાખી કલરના પુંઠાના બોક્સ (પેટીઓ) મળી આવ્યા હતા જે ચેક કરતાં અંદર બીયરનો જથ્થો હતો. નાસી છૂટેલા કારચાલક વિરુદ્ધ પોલીસ કોન્સ્ટેબલ અરવિંદકુમાર ફતેપરાએ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદમાં કરાયેલા વર્ણનમાં દરોડા સમયે ટીમના કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાળ તથા અન્ય સ્ટાફ પણ સાથે હોવાનું દર્શાવાયું છે. તપાસ હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ પાંભરે હાથ ધરી છે.
એવી વાત છે કે કાર ટ્રાફિક પોલીસે અટકાવી હતી પરંતુ તે સ્ટાફ ટીમનું ક્યાંય નામ નથી. સીધો જશ ક્રાઈમ બ્રાંચે લઇ લીધો છે. અથવા તો ટ્રાફિક પોલીસ જ આવી કોઈ જફામાં પડવા નહીં માંગતી હોય તેવું હશે. હાલ તો ઓનપેપર જે ફરિયાદ નોંધાઈ છે તે જ સત્ય માનવી પડે. બાકી જો ટ્રાફિક પોલીસે પકડી હશે તો પણ એ માત્ર ચર્ચા કે આવી વાતો જ ગણવી પડે.