જૂનાગઢમાં મજેવડી ગેટ પાસે આવેલી વિવાદાસ્પદ દરગાહ રાતોરાત તોડી પડાઈ
મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દરગાહ, બે મંદિરો ડિમોલિશ કરાયા
જૂનાગઢમાં ગયા વર્ષે જે દરગાહના કારણે ભારે વિવાદ થયો હતો અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે દરગાહને મહાનગરપાલિકાએ રાતોરાત તોડી પાડી છે. આ ઉપરાંત નજીકમાં આવેલા એક જલારામ મંદિર પર પણ બૂલડોઝર ચાલી ગયું છે અને બંને ધાર્મિક ઈમારતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જૂન મહિનામાં મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને હટાવવાનો પ્રયાસ થયો ત્યારે ટોળું ધસી આવ્યું હતું અને પોલીસ પર પથ્થરમારો થયો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળોના નામે થયેલા દબાણ હટાવવાનું કામ કરવામાં આવ્યું છે. તેમાં તંત્રે મોડી રાતે મજેવડી ગેટ પાસેની દરગાહને ડિમોલિશ કરી હતી. તેવી જ રીતે તળાવ દરવાજા પાસે આવેલા જલારામ મંદિરનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે જેના માટે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ જગ્યા જ્યાં આવેલી છે તેનાથી 300 મીટર દૂરથી જ રસ્તા બંધ કરી દેવાયા હતા જેથી કોઈ તોફાની ટોળા આવી ન શકે. સવાર સુધીમાં આખી ડિમોલિશન પ્રક્રિયા પૂરી થઈ હતી.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પોલીસે રાતે બે વાગ્યે ગેરકાયદે દરગાહને તોડી પાડી હતી અને આ કામ ત્રણ કલાક સુધી ચાલ્યું હતું.