રાજકોટના રૈયા રોડ પર દોઢ મહિનાથી ધમધમતું કુટણખાનું પકડાયું : ગોરખધંધો ચલાવતી મહિલા અને દલાલની ધરપકડ
રાજકોટ શહેરના રૈયા રોડ પર ચંદન પાર્ક મેઈન રોડ નજીક આવેલી અક્ષર સ્કૂલ પાસે આવેલા મકાનમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલતાં કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડો પાડી કુટણખાનાની સંચાલિકા અને ગ્રાહક શોધી લાવનાર દલાલને પકડી પાડવામાં આવ્યા હતા.

એએચટીયુના હેડ કોન્સ્ટેબલ મહમ્મદઆરીફ અંસારીએ બાતમીના આધારે ચંદન પાર્ક મેઈન રોડ પર શેરીના ખાચામાં આવેલા `મા’ નામના મકાનમાં તેજલ મયુરભાઈ લાઠીગરા દ્વારા સંચાલિત કુટણખાના પર દરોડો પાડી તેજલ અને દલાલ જય હસમુખભાઈ વઢવાણિયાને પકડી પાડ્યા હતા.
બન્નેની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તેજલે દોઢ મહિના પહેલાં આ મકાન પોતાને રહેવું છે તેમ કહીને ભાડે મેળવ્યું હતું. જો કે મકાન મળ્યા બાદ અહીં રહેવાની જગ્યાએ કુટણખાનું શરૂ કરી દીધું હતું. જય વઢવાણિયા `શોખીન’ ગ્રાહકો શોધીને ઉપરોક્ત ઘરમાં લાવતો અને અહીં રંગરેલિયા મનાવવા માટે સગવડ પૂરી પાડતો હતો. તેજલ ઘણા લાંબા સમયથી આ ગોરખધંધામાં સામેલ હોવા ઉપરાંત અગાઉ 2022માં પણ પકડાઈ ગઈ હોય ગ્રાહકોમાં પંકાઈ ગઈ હતી. તેના લગભગ દરેક ગ્રાહકો પાસે તેજલના મોબાઈલ નંબર હોય તેઓ એક મેસેજ કરે એટલે તુરંત તેજલ રાજકોટ સહિતના શહેરોની યુવતીની તસવીરો મોકલી આપતી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં દોઢ વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર પકડાયો : ઈન્જેક્શન, ટેબ્લેટ, સીરપ સહિતની દવાનો જથ્થો જપ્ત
આ પછી ગ્રાહકને કોઈ યુવતી પસંદ પડે એટલે તેની પાસેથી 1500 રૂપિયા તેજલ દ્વારા લેવામાં આવતા હતા જેમાંથી તેજલ લલનાને એક હજાર આપતી અને 500 રૂપિયા પોતે રાખી લેતી હતી. બીજી બાજુ ગ્રાહક `લોકેશન’ ઉપર આવે એટલે ઘર સુધી લાવવાનું કામ જય વઢવાણિયા કરતો હતો. એકંદરે બન્ને મળીને આ ગોરખધંધો કરી રહ્યા હતા. પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે રાજકોટની એક યુવતી પણ ત્યાં હાજર મળી આવી હતી જેને સાક્ષી બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેજલનો પતિ મયુર ગુજરી ગયો હોવાનું તેણે પૂછપરછમાં જણાવ્યું હતું.