રાજકોટમાં હજુ 9883 બાંધકામ ગેરકાયદે: બાંધકામ કાયદેસર કરવા સરકારે પાંચમી વખત મુદતમાં કર્યો વધારો
જ્યાં જુઓ ત્યાં બાંધકામ ચાલી રહ્યા હોવાથી રંગીલુ રાજકોટ હવે સિમેન્ટ કોંક્રિટના જંગલો વચ્ચે ઘેરાયેલુ શહેર બની ગયું છે. આ બધાની વચ્ચે શહેરમાં ઠેકઠેકાણે નાનું-મોટું ગેરકાયદેસર બાંધકામ પણ ખડકાઈ ગયેલુ હોવાથી તંત્ર દ્વારા આવા બાંધકામો સામે જોઈએ તેવી કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાથી દબાણકારોની હિંમત વધી રહી છે. આ બધાની વચ્ચે સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી ભરપાઈ કરીને ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવાનો નિયમ અમલી બનાવ્યો હતો આમ છતાં શહેરમાં હજુ 9883 બાંધકામ ગેરકાયદેસર હોવાનું સત્તાવાર રીતે ટાઉન પ્લાનિંગ શાખાએ સ્વીકાર્યું છે. હવે શહેરી વિકાસ વિભાગ દ્વારા આવા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે વધુ છ મહિનાની મુદત આપતા આ બાંધકામ કાયદેસર થાય છે કે કેમ તે જોવું રહ્યું.
રાજકોટ સહિત આખા ગુજરાતમાં ઈમ્પેક્ટ ફી ભરીને બાંધકામને કાયદેસર કરવા માટેની મુદતમાં પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે. અન્ય શહેરોની તુલનાએ રાજકોટમાં બાંધકામને કાયદેસર કરવામાં તંત્રની સાથે જ દબાણકર્તાઓ પણ નિરસ હોય તે પ્રકારે નોંધપાત્ર કામગીરી થવા પામી નથી. ટાઉન પ્લાનિંગ શાખાના જણાવ્યા પ્રમાણે ઈસ્ટ ઝોનમાં 1-10-2022થી 11-11-2025 સુધીમાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની 2836 અરજી આવી હતી જેમાંથી 684ને મંજૂરી આપવામાં આવી છે. આ જ રીતે સૌથી વધુ ગેરકાયદે બાંધકામ વેસ્ટ ઝોનમાં ખડકાયેલા હોવાથી અહીં 6638 અરજી કરાઈ હતી જેમાંથી 2385ને મંજૂરી અપાઈ હતી. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 5336 અરજીમાંથી 1858ને જ મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રમાણે ત્રણેય ઝોનની મળી કુલ 14810 અરજીમાંથી 4927ને મંજૂરી અપાઈ છે જ્યારે 9883 અરજી અંગે હજુ નિર્ણય લેવાનો બાકી છે.
આ પણ વાંચો :રાજ્યભરમાં ઝવેરીઓ પર ઇન્કમટેક્સની ઇન્ક્વાયરી! ગ્રાહકોનાં નામ-સરનામા માંગ્યા : રાજકોટ,અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં ભારે ફફડાટ
કયા ઝોનમાં કેટલી અરજી પેન્ડીંગ?
- ઈસ્ટ ઝોનઃ 2152
- વેસ્ટ ઝોનઃ 4253
- સેન્ટ્રલ ઝોનઃ 3478
`મીડિયા માફિયાઓ’ આવા જ ગેરકાયદે દબાણને `ટાર્ગેટ’ કરીને `તોડ’ને આપે છે અંજામ !
`વોઈસ ઓફ ડે’ દ્વારા મીડિયાની પવિત્ર ફરજને કલંકિત કરતા `મીડિયા માફિયાઓ’ને ઉઘાડા પાડવાની શરૂ કરવામાં આવેલી ઝુંબેશને રાજકોટ જ નહીં બલ્કે ગાંધીનગર સુધી બિરદાવવામાં આવી હતી. બીજી બાજુ રાજકોટમાં કહેવાતા, બની બેઠેલા, ધરાર સહિતના દરેક શબ્દો ટૂંકા પડે તેવા પત્રકારોની `તોડ’ કરવાની મોડેસ ઓપરેન્ડી જો કોઈ હોય તો તે ગેરકાયદેસર બાંધકામ છે. કોઈનું રહેણાક, કોમર્શિયલ કે અન્ય હેતુના બિલ્ડિંગનું ચણતરકામ થઈ રહ્યું હોય એટલે આવા લેભાગુ પત્રકારો જે-તે બિલ્ડિંગના માલિકને ફોન કરી દબાણ ગેરકાયદેસર હોવાનું અને ફરિયાદ મળી હોવાની ગર્ભિત ધમકી આપે છે. આ પછી બિલ્ડિંગના માલિક કે જેમણે બાંધકામમાં નાની-મોટી જાણતા-અજાણતા રાખી દીધી હોય તે આવા ફોનથી ડરી જઈને ફોન કરનાર સાથે વાતચીત કરે એટલે તેના ડરનો ફાયદો ઉઠાવી મીડિયા માફિયાઓ પૈસા માટે મોઢું ફાડે છે અને રકઝકના અંતે નિશ્ચિત રકમમાં સેટિંગ થઈ જતું હોવાનું ઓપન સિક્રેટ છે. આ બધા પાછળ ક્યાંકને ક્યાંક દબાણની રગેરગથી વાકેફ તત્ત્વોનો પણ સહકાર મળતો હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.
