GSEBની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં 9 વિદ્યાર્થીઓ ‘ચોરી’ કરતાં ઝડપાયા, ગાંધીનગરમાં થશે સજાની સુનાવણી
ગુજરાત બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ પરીક્ષા દરમિયાન ગેરરીતિઓ થઈ છે કે નહીં તે અંગેનાં શિક્ષણ વિભાગ દ્વારા સીસીટીવી ચેક કરવાની કામગીરી પૂરી થતાં જેમાં રાજકોટમાંથી 76 હજાર વિદ્યાર્થીમાંથી નવ વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતાં ઝડપાઇ ગયા છે,જેમાં બે વિદ્યાર્થીઓ ત્રંબા પાસે આવેલી પોપ્યુલર સ્કૂલમાં એકબીજાને ચિઠ્ઠી આપતા નજરે ચડ્યા છે.
રાજકોટ જિલ્લા શિક્ષણ દ્વારા આ નવ વિદ્યાર્થીઓનો રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ વિભાગની મોકલવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા દરમિયાન ધોરણ 12 માં આઠ અને ધોરણ 10 માં એક એમ કુલ નવ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણ વિભાગ કચેરી દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે.
ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા ને લઈને પરીક્ષા કેન્દ્ર પરના સીસીટીવી રેકોર્ડિંગની ચકાસણી કરવામાં આવી હતી. પરીક્ષા સમયે પોપ્યુલર સ્કૂલમાં ખુલ્લેઆમ કાપલીકાંડ ચાલતા હોવાની ફરિયાદો બોર્ડના સચિવને કરવામાં આવી હતી. આ રેકોર્ડિંગની ચકાસણી દરમિયાન જે બે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા નજરે પડ્યા છે તે પોપ્યુલર સ્કૂલના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છે. હવે શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે અને તેમનું હીયરિંગ કરવામાં આવશે ત્યારબાદ સજાની સુનાવણી થશે.