અત્યાર સુધીમાં ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો
પદયાત્રામાં અંદાજે ૭૪,૮૦૦ ખાલી પ્લાસ્ટીક બોટલની સામે
૫,૦૦૦ સ્ટીલની બોટલો અપાઈ
અંબાજી ખાતે દર વર્ષે ભાવ ભક્તિપૂર્ણ રીતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો ચાલીને જગત જનની માં આંબાના દર્શન કરવા આવે છે. આ વર્ષે મહામેળામાં કુલ ત્રણ રૂટ પર અંદાજીત ૩૪ લાખથી વધુ પદયાત્રીઓએ ચાલીને માં અંબાના દર્શન કર્યા હતા. GPCB અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલા ‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ કુલ ત્રણ રૂટ પર તા. ૧૨ થી ૧૯ સપ્ટેમ્બર-૨૦૨૪ દરમિયાન ઉત્પન્ન થયેલો અંદાજિત ૭૩ ટનથી વધારે કચરો સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતાની આ કામગીરી અંતર્ગત તા. ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં અંદાજિત ૭૦૦ ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.
આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પદયાત્રાની સાથે સ્વચ્છતા જળવાય તેવા હેતુસર વિવિધ ઉદ્યોગ એસોશીએશનના સહયોગથી ત્રણ પદયાત્રાના રૂટ પર ત્રણ સ્થળોએ પદયાત્રીઓને પાંચ ખાલી પ્લાસ્ટિકની બોટલ સામે એક સ્ટીલની બોટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્ત ગુજરાતને સમર્થન આપવા પદયાત્રીઓ દ્વારા અનેરો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જે અંતર્ગત કુલ ૭૪,૮૦૦ પ્લાસ્ટીકની ખાલી બોટલની જગ્યાએ ૫,૦૦૦ સ્ટીલની બોટલો આપવામાં આવી હતી. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા-જાગૃતિ લાવવાના હેતુથી ૫૦ થી વધારે સેવા કેમ્પ-સ્થળો પર શેરી નાટક ભજવવામાં આવ્યા હતા.